Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વિવિધ ક્ષેત્રોમાં ઉભરતા આઇકોન એકબીજાના સહયોગ થકી દેશ અને ગુજરાતને સર્વોચ્ચ શિખરે પહોંચાડે:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ગ્રુપ દ્વારા આયોજીત ગુજરાત ઇમરજીંગ આઇકોન-૨૦૨૦ અંતર્ગત તબીબો અને ઉધોગ સાહસિકોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના સામે આજે આખું વિશ્વ ઝઝુમી રહ્યુ છે ત્યારે દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ સમયસર લીધેલા હિંમતભર્યા નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશ માનવ જીવન પણ બચાવી શક્યો છે અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સક્ષમ બની રહ્યો છે.
  નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, અમેરિકા જેવી મહાસત્તા ધરાવતા દેશે આર્થિક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી લૉકડાઉન ન કરવા જેવા નિર્ણયો લીધા. જ્યારે ભારતે માનવ જીવનને પ્રાધાન્ય આપ્યુ અને સમયસર   લૉકડાઉન આપ્યું જેના પરિણામ સ્વરૂપે અત્યારે માનવજીવન પણ બચ્યું અને આર્થિક સ્થિતિને પણ  મહદઅંશે બચાવી શક્યા છીએ. જેમાં આપ સૌ સાહસિકોનો પણ મહત્વનો ફાળો છે. આરોગ્ય, પ્રવાસન, ઉદ્યોગ, વેપાર, રોજગારી સહિત તમામ ક્ષેત્રો કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે અસરગ્રસ્ત થયા છે. આવા સમયે આર્થિક પ્રવૃત્તિઓ ટકાવી રાખવી પણ ખૂબ જ જરૂરી બાબત હતી. જેને કારણે તબક્કાવાર પ્રોટોકોલ સાથેના અનલોક થકી આર્થિક સ્થિતિને ટકાવી શક્યા છીએ. આવા સમયે વડાપ્રધાનએ આપેલા મંત્ર ‘‘વોકલ ફોર લોકલ’’ને સાર્થક કરી અનેક ઉદ્યોગ સાહસિકોએ લૉકડાઉન દરમિયાન નવા સર્જનો કર્યા છે. આવા સર્જકો માટે ભારત સરકારે તેમજ ગુજરાત સરકારે પણ પ્રોત્સાહન પુરુ પાડવા વિશેષ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યા છે. જેના થકી ઉદ્યોગ સાહસિકોને નવું બળ મળ્યુ છે. 
ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ગ્રુપ દ્વારા ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજીત ગુજરાત ઇમર્જીંગ આઇકોન-૨૦૨૦ કાર્યક્રમ થકી ઉદ્યોગ સાહસિકો તેમજ કોરોના મહામારી સમયગાળા દરમિયાન મહામૂલી માનવજીવન બચાવવા માટે પ્રયત્નો કરનાર તબીબોને સન્માનીત કરવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રીએ આ તકે ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ગ્રુપનો આભાર વ્યક્ત કરતાં કહ્યુ કે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં જે હાલની સ્થિતિ છે એ જાણવી નાણામંત્રી  તરીકે મારી ફરજ  છે. એ ટાઇમ્સ ગ્રુપના આ પ્લેટ ફોર્મ થકી હું દરેક ક્ષેત્રના સાહસિકોને વ્યક્તિગત રીતે મળી શક્યો છુ અને હાલની સ્થિતિને સમજી શક્યો છુ.
તેમણે રાજ્યમાં ઉભરતા આઇકોન કે જે વિદ્યાર્થી હોય કે પછી ઉદ્યોગ સાહસિક હોય, સૌ એકબીજાની સાથે સહયોગ સાધીને આપણા દેશ અને ગુજરાતને વધુને વધુ આગળ વધારે તેવો અનુરોધ કર્યો હતો.
આ તબક્કે તબીબો, બાયોકેમ ક્ષેત્ર, બીલ્ડીંગ કન્સ્ટ્રક્શન, ફર્નીચર ક્ષેત્ર, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, કોચીંગ ઇન્સ્ટીટ્યુટ, ડીજીટલ સેવાઓ, હોટલ ઉદ્યોગ જેવા અનેક ક્ષેત્રના લોકોનું સન્માન કરાયુ હતું. ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ગ્રુપના વિક્રમ નેગીએ આભારવિધિ કરી હતી. આ વેળાએ વિવિધ ઉદ્યોગ સાહસિકો અને ટાઇમ્સ ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 pm IST)