Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સુરતમાં પીસીબી પોલીસે નવાગામ નજીકથી મોપેડ પર જતા યુવકને 96 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસેથી મોપેડ ઉપર જતા યુવાન વેપારીને વ્હીસ્કીની 96 બોટલ સાથે ઝડપી પાડી તેના ઘરે તપાસ કરતા ત્યાંથી વ્હીસ્કીની વધુ 243 બોટલ મળી આવી હતી. પુછપરછમાં ખુલાસો થયો હતો કે યુવાન વેપારી અગાઉ ઘરેથી જ લેડીઝ કુર્તીનો વેપાર કરતો હતો પરંતુ લોકડાઉન બાદ કુર્તીનો વેપાર બંધ થતા તેણે ડિંડોલીના બુટલેગર અનિલ છપરી માટે મોપેડ ઉપર દારૂ લાવવાનું શરૂ કર્યું હતું.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવભાઈ અને દિપક્ભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ નવાગામ તરફના નાકેથી મોપેડ ( નં.જીજે-05-એસઆર-9124 ) ઉપર પસાર થતા સુનિલ શંકરલાલ પટેલ ( ઉ.વ.38, રહે.ફ્લેટ નં.ઈ/301, મંગલપાર્ક એપાર્ટમેન્ટ, દીપ દર્શન સ્કુલ પાસે, ડિંડોલી, સુરત. મૂળ રહે.મોટપ ગામ, તા.બેચરાજી, મહેસાણા ) ને અટકાવી તેની પાસેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.9600 ની કિંમતની વ્હીસ્કીની 96 બોટલ મળી આવી હતી. અગાઉ ઘરમાં જ લેડીઝ કુર્તીનો વેપાર કરતા અને લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા હવે દારૂની હેરાફેરી કરતા સુનિલની પુછપરછના આધારે પીસીબીએ તેના ફ્લેટ ઉપર તપાસ કરતા ત્યાંથી રૂ.27,700 ની કિંમતની વ્હીસ્કીની અલગ અલગ 243 બોટલ મળી આવી હતી.

(4:56 pm IST)