Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

એસજીએસટી વિભાગની નોટિસોથી વેપારીઓમાં ભારે નારાજગી

વેટ અધિકારીઓ દ્વારા વેપારીઓને ઓડીટ આકારણી કરવા અર્થે તાત્કાલીક ધોરણે હાજર થવા ફરમાન કરાઇ રહ્યું છે

અમદાવાદ,તા. ૭:રાજયના એસજીએસટી વિભાગ દ્વારા વેપારીઓને વેટ અને સીએસટી કાયદા હેઠળ વારંવાર કનડગત કરવામાં આવી રહી છે. ૨૦૧૫-૧૬ના રીએસેસમેન્ટ, ૨૦૧૬-૧૭ તથા વર્ષ ૨૦૧૭-૧૮ની ઓડીટ આકારણીની કાર્યવાહી કરવા માટે રાજય કરવેરા અધિકારીઓ દ્વારા વધુ પડતું દબાણ કરવામાં આવી રહ્યું છે. વેપારી ઓડીટ સમન્સ દ્વારા હાજર ન થાય તો એક્ષપાર્ટી હાયપીચ એસેસમેન્ટ કરવાની ધમકી અપાઈ રહી છે. ઉપરાંત એસજીએસટી વિભાગ પણ ડીન (ડોકયુમેન્ટ આઇડેન્ટીટી નંબર) વગર વેપારીઓને નોટીસ ફટકારી રહ્યા છે. જેને' તાત્કાલિક ધોરણે અટકાવવાની માગ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી અને નાણામંત્રીને મળીને કરી છે.

વેટ અને સીએસટીની કાયદાકીય જોગવાઈ અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૨૦૧૮ના ઓડીટ આકારણી વેટ કાયદાની કલમ-૩૪ પેટા કલમ(૯) અન્વયે અનુક્રમે તા. ૩૧/૦૩/ર૦ર૧ તથા ૩૧/૦૩/ર૦રર સુધીનો સમયગાળો આપેલો છે' છતાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન રાજયના વેટ અધિકારીઓ દ્વારા વેપારીઓને ઓડીટ આકારણી કરવા અર્થે તાત્કાલીક ધોરણે હાજર થવા ફરમાન કરાઇ રહ્યું છે. સીજીએસટી વિભાગનું આ પ્રકારનું અવ્યવહારુ વલણ વ્યાપારી માટે મુશ્કેલી સર્જી રહ્યું છે.'

ચેમ્બરના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં વેટ કાયદા હેઠળ ઓડીટ અંગેની કાયદાકીય સમયમર્યાદામાં વધારો કરી આપવા, એક્ષપાર્ટી એસેસમેન્ટની કાર્યવાહી અટકાવવા તથા કાયદામાં આપેલ સમયમર્યાદાનો લાભ વેપારીઓને મળવાપાત્ર થાય તેવું નિશ્યિત કરવા રાજય કરવેરા અધિકારીઓને જરૂરી સૂચના આપવા રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીને મળી ચેમ્બરના પ્રતિનિધિઓએ ટાંકયું હતું કે, હાલમાં રાજય કરવેરા અધિકારીઓ દ્વારા જે પ્રકારે ડીન નંબર વગર સમન્સ કે નોટીસ ફાળવવામાં આવે છે તે યોગ્ય નથી. કેન્દ્ર સરકાર દ્વારા તા. ર૩/૧જી/ર૦૧૯ના પરિપત્ર નં. ૧૨૮/૪૭/૨૦૧૯-જીએસટી દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્?ટ ટેક્?સીસના કોઇપણ અધિકારી કોઈપણ વ્યાપારી જોડે જે પત્રવ્યવહાર કરે અથવા નોટીસ મોકલાવે એ તમામનો વિશિષ્ટ ડીન નંબર (ડોકયુમેન્ટ આઇડેન્ટીટી નંબર) હોવો જરૂરી છે. તેના અનુસંધાને દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, વ્યાપારીને સીબીઆઇસીના કોઇપણ અધિકારી દ્વારા કોમ્પ્યુટર જનરેટેડ ડીન નંબર ન હોય તેવો પત્રવ્યવહાર કે નોટીસ જો આવે તો તેને અમાન્ય ગણવી તથા તે નહિ મળ્યા બરાબર ગણવું.

હાલમાં એસજીએસટીના અધિકારીઓ દ્વારા ઘણાં વેપારીઓને ડીન નંબર વગર પત્રવ્યવહાર તથા સમન્સ બજાવવામાં આવી રહ્યું છે જેને બંધ કરાવવાની માગ ચેમ્બરે કરી છે. રાજય કરવેરા અધિકારીઓએ પણ ડીન નંબર થકી જ કોઈપણ સમન્સ, નોટીસ અથવા સૂચના વ્યાપારીઓને આપવી જોઈએ અને સીબીઆઇસીની માર્ગદર્શિકાને અનુસરવું જોઈએ.

(10:35 am IST)