Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નાંદોદના ઉમરવા ગામમાં પટેલ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે મારામારી બાદ સામસામી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં પટેલ પરિવારના બે પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થતા આમલેથા પો.સ્ટે.માં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરવા ગામના દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પટેલએ આપેલી ફરિયાદ મુજબ તેઓ મંદિરે જવા માટે મો.સા ચાલુ કરતા હતા તે વખતે સચિન મગન ભાઈ પટેલએ તેનું ટ્રેકટર રોડ ઉપર મુકી ઘરે ઉભેલ હોઇ જેથી તેમણે ટ્રેકટર રોડની સાઇડમાં કરી લો મારે મોટર સાયકલ લઇને મંદિરે જવું છે તેમ કહેતા સચિન એકદમ ગુસ્સે થઇ હાથમાં પાવડો લઇ મારવા જતા તેમણે હાથ ઉંચો કરી દેતા ડાબા હાથે પાવડો વાગતા ઇજા થઇ તથા સંજય ભાઈ મગનભાઈ પટેલ,જાનકીબેન સંજયભાઈ પટેલ અને મોનાબેન સચિનભાઈ પટેલ ચારેય જણ એ ઉપરાણું લઇ આવ્યા જ્યારે વચ્ચે છોડાવવા વચ્ચે પડેલ ફરિયાદીના ભાઈ ચિરાગભાઈને સંજય એ હાથમાં શેરડી કાપવાનુ કોયડુ મારી  લોહી કાઢી ઇજા પહોચાડી તથા આરોપી મીનાબેને લોખંડની પાઇપ લઇ ફરિયાદીની માતા સ્મીતાબેનના માથામાં મારી ઇજા પહોચાડી તથા ચારેય એ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
 જ્યારે સામે બીજી ફરિયાદ સચીન ભાઇ મગનભાઇ પટેલએ આપી જેમાં જણાવ્યા મુજબ કોર્ટમાં કેશ ચાલુ હોય જેની અદાવત રાખી આ લોકોએ ગમે તેવી ગાળો બોલી ઝપાઝપી કરી ચિરાગભાઈ મહેન્દ્રભાઈ પટેલ એ તેમને પકડી રાખી આરોપી દિવ્યેશ ભાઈ મહેન્દ્રભાઈ પટેલ એ લોખંડનો સળીયો ફરીયાદીના માથામાં મારી ઇજા પહોંચાડી તથા સંજયભાઇ મગનભાઇ પટેલ વચ્ચે છોડાવવા પડતાં તેને ગળામાં પકડી રાખી મોનાબેન સચીનભાઇ પટેલ ને પણ કોર્ટ કેશ બાબતે ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આમ બંને પક્ષે સામસામી ફરિયાદ આપતા આમલેથા પોલીસે કુલ-૬ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(10:20 pm IST)