Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

કામ કરવાની શિક્ષકોની કલાક ઘટાડવાની માંગણી શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિ઼હ ચુડાસમાએ ફગાવી દીધીઃ અન્‍ય વિભાગોની જેમ ફરજીયાત 8 કલાક કામ કરવું જ પડશેઃ ધારાસભ્‍ય કિરીટ પટેલની આંદોલનની ચિમકી

અધિકારીઓનો ઇગો સંતોષવા અને શિક્ષકોને દબાવવા સરકારે આવો પરિપત્ર જાહેર કર્યોઃ પાટણના કોંગ્રેસના ધારાસભ્‍યનો આક્ષેપ

ગાંધીનગરઃ તાજેતરમાં જ રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ અઠવાડિયામાં 45 કલાક કામ કરવું પડશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ સોમવારેથી શુક્રવારે રોજ 8 કલાક અને શનિવારે પાંચ કલાક કામ કરવું પડશે તેવો ઉલ્લેખ હતો. જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યા છે.

બપોરની શાળાના શિક્ષકો માટે 9.30 થી સાંજે 5.30 સમય નક્કી કરવામાં આવ્યો છે..તો સવારની શાળાના શિક્ષકો માટે 7.30 થી 3.30નો સમય કરવામાં આવ્યો છે..જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ શિક્ષિકાઓ ગાંધીનગર પહોંચી હતી અને કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જોકે, કામના કલાક ઘટાડવાની શિક્ષકોની માંગણીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફગાવી દીધી છે. ભૂપેન્દ્રસિંહે આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુંકે, સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓની જેમ શિક્ષકોએ પણ ફરજિયાત 8 કલાક કામ કરવું જ પડશે. કામના કલાકો અંગે જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં પરિવર્તન નહીં કરવામાં આવે છે. દરેક શિક્ષકે સરકાર દ્વારા નક્કી કરાયેલાં નિયમોનું પાલન કરવાનું રહેશે. આઠ કલાકની હાજરીમાંથી શિક્ષકોને મુક્તિ નહીં મળે તેવું પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું છે.

મહત્ત્વનું છેકે, આ મુદ્દે હવે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે. ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શિક્ષકોના કામના કલાકો ઘટાડવા માગ કરી છે. કિરીટ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને આ મુદ્દે શિક્ષકોના કામના કલાકો ઘટાડવા માટે માગ કરી છે. સાથો-સાથ જો શિક્ષકોના કામના કલાકો નહીં ઘટાડવામાં આવે તો શિક્ષકોને સાથે રાખીને સરકાર સામે આંદોલન છેડવાની ચીમકી પણ ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચારી છે.

એટલું નહીં આ મુદ્દે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કિરીટ પટેલે જણાવ્યું છેકે, અધિકારીઓનો ઈગો સંતોષવા માટે અને શિક્ષકોને દબાવવા માટે સરકારે આવો પરિપત્ર કર્યો છે. ભાજપ સરકારમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ કંઈ કરી શકતા નથી તેઓ સરકારી અધિકારીઓ સામે સાવ લાચાર હોય છે.

(4:17 pm IST)