Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ગણપતિ વિસર્જનમાં ૧૫ લોકો જ સામેલ થઈ શકશેઃ નામ, એડ્રેસ પોલીસ મથકમાં અગાઉ આપવા પડશેઃ સંજય શ્રીવાસ્તવ

ગણપતિ મહોત્સવમાં ભાવિકોની લાગણી સાથે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પણ નજર અંદાજ નહિ કરવામાં આવેઃ અમદાવાદના પોલીસ કમિશ્નર સાથે 'અકિલા'ની વાતચીત : સુરત, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતમાં ભાવિકો માટે પોલીસ મંજૂરી આપશે, પણ પંડાલમાં બિન જરૂરી ભીડ ન થાય તે માટે ચુસ્ત અમલવારી કરવામાં આવશે

રાજકોટ,તા.૭: કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર ધ્યાને રાખી અન્ય રાજયો તથા વિદેશમાં જે રીતે પરિસ્થિત સર્જાઈ રહી છે. તે લક્ષમાં રાખી લોકોની ધાર્મિક ભાવના ધ્યાને લઈ ગણપતિ ઉત્સવ ઉજવવા મંજૂરી આપી છે. ત્યારે લોકો પણ એટલો જ સહકાર આપી જાહેરનામાં બાબતે અમલવારી ચુસ્તપુર્વક અમલ કરે તેવી અપીલ અમદાવાદના ડીજીપી લેવલના સિનિયર આઈપીએસ એવા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન ૧૫થી વધુ લોકો નહિ જોડાય શકે તેમ પણ જણાવાયું છે.

વિસર્જન માટે વાહનમાં જ જવાનું રહેશે અને વિસર્જન માટે જનારા ભાવિકોના નામ સરનામા સહિતની વિગતો પહેલેથી પોલીસ મથકને આપવાની રહેશે. તેમ પોલીસ કમિશ્નર દ્વારા વિશેષમાં જાહેરનામાની વિગતો આપતા જણાવેલ.

પંડાલમાં ૪ ફૂટની માટીની મૂર્તિ તેમ જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી, વિસર્જન મ્યુનિ.એ બનાવેલા કુંડમાં જ કરવું પડશે.

સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે ૪ ફૂટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. પરંતુ કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મંજૂરી આપી નથી. જયારે ગણપતિની મૂર્તિનું વિસર્જન મ્યુનિ. કોર્પો.એ બનાવેલા કૃત્રિમ કુંડમાં જ કરી શકાશે. આ કુંડ સુધી જવા માટે સરઘસમાં માત્ર ૧૫ જ વ્યકિતને મંજુરી આપવામાં આવશે. જે તમામ ૧૫ લોકોના નામ સરનામા અને મોબાઈલ નંબર સહિતની માહિતી પોલીસને અગાઉથી આપવી પડશે.

૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકોએ પંડાલ તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજુરી લેવી પડશે. ગણપતિની વિસર્જન મ્યુનિ.કોર્પો.એ બનાવેલ કૃત્રિમ કુંડમાં જ કરી શકાશે. તેની મંજૂરી સ્થાનિક પોલીસ પાસેથી મેળવવાની રહેશે.

 ઘરમાં ૨ ફૂટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરી શકાશે. રાજય સરકારે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે માટીની મૂર્તિની સાઈઝ ૪ ફૂટની રાખી છે. જયારે ઘરમાં ૨ ફૂટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરવા માટે મંજુરી આપી છે. જયારે ઘરમાં જ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરા પોલીસ દ્વારા ગણપતિ પંડાલમાં પણ બિન જરૂરી ભીડ ન સર્જાય તે માટે લિમિટેડ સંખ્યા નિયત કરી છે, સુરત  અને રાજકોટ પોલીસ કમિશ્નર તંત્ર દ્વારા પણ લોકોની ધાર્મિક ભાવના સાથે તકેદારીરૂપે તમામ જરૂરી પગલાંઓ ભરવામાં આવશે.

(3:15 pm IST)