Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સુરતમાં આજથી બે વર્ષ પહેલા મહિલાને હડફેટે લાઈનર કાર ચાલકને અદાલતે 50 હજાર વળતરનો હુકમ કર્યો

સુરત: આજથી બે વર્ષ પહેલાં બેદરકારીથી કાર ચલાવી એક્સેસ મોપેડ સવાર મહીલાને હડફેટે લઈ પગમાં ઈજા પહોંચાડી ઘટના સ્થળેથી નાસી જનાર કાર ચાલક યુવકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કીર્તિકુમાર મનોજકુમાર ગોહેલે ગુનામાં દોષી ઠેરવીને ત્રણ મહીનાની કેદ તથા અકસ્માતનો ભોગ બનનાર મહીલાને રૃ.50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વેસુના વીઆઈપી રોડ સ્થિત વોટર રેસીડેન્સીમાં રહેતા ૨૯ વર્ષીય શિવપ્રકાશ અમરચંદ રાઠી તા.14-7-2018ના રોજ પોતાની કાર બેદરકારીથી ચલાવીને ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ નજીક એક્સેસ મોપેડ સવાર ફરિયાદી મનીષાબેન યોગેશ મહેતાને ટક્કર મારીને પગમાં ઈજા પહોંચાડી ઘટના સ્થળેથી નાસી ગયો હતો.જેથી ભોગ બનનાર ફરિયાદી મહીલાએ બેદરકારીથી કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપી યુવક શિવપ્રકાશ રાઠી વિરુધ્ધ મોટર વ્હીકલ એક્ટ  તથા ઈપીકો-279, 337, 338 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં  આવતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી શૈલેશ પાડલીયાએ આરોપી વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત કરતાં આરોપી શિવપ્રકાશ રાઠીને એમ.વી.એક્ટમાં નિર્દોષ તથા ઈપીકોે 279,337,338માં દોષી ઠેરવી ત્રણ માસની કેદ તથા ભોગ બનનારને રૃ.50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.જો આરોપી વળતર ન ચુકવે તો સીઆરપીસી-431 હેઠળ કાર્યવાહી કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે એક માત્ર ફરિયાદી કે ઈજા પામનારની જુબાની વિશ્વસનીય અને આધારભુત હોય તો તેના આધારે આરોપીને દોષી ઠેરવી શકાય છે.જેથી પુરાવાનો જથ્થો નહીં પરંતુ તેની ગુણવત્તા ધ્યાને લેવાની હોય છે.

 

(5:14 pm IST)