Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મહેસાણાના ખેરાલુ નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 8 લાખ ભરેલ થેલાની ચીલઝડપ કરી બે અજાણ્યા શખ્સો છૂમંતર.....

મહેસાણા:જિલ્લાના ખેરાલુ ખાતે આજે ભર બપોરે આંગડીયા પેઢીના એક કર્મચારી પાસેથી રૂ.૮ લાખ ભરેલા થેલાની ચીલઝડપ કરી બે અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા ખેરાલુના બજારોમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ ચકાસી અજાણ્યા ઈસમોની શોધખોળ હાથ ધરી છે.

આજે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે ખેરાલુ બજારમાં આવેલ વસંત અંબાલાલ પેઢીનો કર્મચારી થેલામાં પોતાની ઓફીસની રોકડ રકમ રૂ.૭,૩૪,૩૪૦ મુકીને ઓફિસનું શટર બંધ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમો આ થેલાની ચીલઝડપ કરીને દોડી ગયો હતો. અને થોડે દૂર બજાજ પલ્સર મોટર સાઈકલ લઈને ઉભેલા તેના  સાગરીત સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા પેઢીનો કર્મચારીએ બૂમો પાડતા આસપાસના વેપારીઓ આ ગઠીયાની પાછળ દોડયા હતા. પરંતુ બન્ને ઈસમો મોટર સાઈકલ ઉપર ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે પેઢીના કર્મચારી અમરતભાઈ નારણભાઈ પટેલ ઉ.વ.૭૦નાઓએ ખેરાલુ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારે તરફ નાકાબંધી કરી આ અજાણ્યા બાઈક સવારોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. બીજી તરફ પોલીસે ઘટના સ્થળેથી આસપાસના દુકાનદારોની પુછપરછ કરીને આ સ્થળે રહેલા સીસીટીવી ફુટેજ જોઈને તેમાંથી આ અજાણ્યા ઈસમોને ઓળખવાની કવાયત પણ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી પોલીસને આ આરોપીઓની કોઈ ભાળ મળી નથી.

(5:06 pm IST)