Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ક્લાઇમેટ ચેન્જના પડકારને ઝિલવા ગુજરાતનો એક્શન પ્લાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ધતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યું છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.

રાજકોટ તા. ૭ : આજકાલ આપણે એક વાત દરેકની વાતચીતમાં સાંભળીએ છીએ, આ વર્ષે ગરમી ખૂબ લાગે છે. આજદિન સુધી આવી ગરમી સહન કરી નથી. તો ટીવીમાં સમાચાર જાણ્યા હશે કે યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂર આવી રહ્યાં છે.

આ બંને વાતનો અર્થ એ છે કે, પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. આ વધારાને કારણે પૃથ્વી પર ઘણાં ભૌગોલિક પરિવર્તનો થઈ રહ્યાં છે અને તેના કારણે પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રાકૃતિક આપદાએ સમગ્ર વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષો અને નાગરિકોને ભવિષ્ય માટે વિચાર કરવા મજબૂર કરી દીધા છે. વર્ષ-૨૦૧૫માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં ‘નિરંતર વિકાસના ધ્યેયો‘–sustainable development goals- 2030 એજન્ડાને સ્વીકારવામાં આવ્યા અને તે અંતર્ગત ૧૭ ધ્યેય અને ૧૬૯ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા. તે પૈકી ૭ , ૧૩, ૧૪, ૧૫ ક્રમાંકના ધ્યેય અનુક્રમે અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, ક્લાઇમેટ એક્શન, લાઇફ બીલો વોટર અને લાઇફ ઓન લેન્ડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ભારતમાં sustainable development goals- 2030 વર્ષ ૨૦૧૬થી અમલમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ધતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યું છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.

ગુજરાત રાજ્યનો ૧૬૬૩ કિ.મી. જેટલો વિશાળ દરિયાકિનારો પ્રાકૃતિક સંપદા, ભૂસ્તર શાસ્ત્ર અને માનવ પ્રવૃત્તિની દૃષ્ટિએ વૈવિધ્યપૂર્ણ અને અનોખો છે. જેથી ગુજરાત ક્લાઇમેટ ચેન્જની દૃષ્ટિએ સંવેદનશીલ રાજ્ય ગણી શકાય. ઉતરમાં લખપતથી દક્ષિણમાં વલસાડ વચ્ચે આવતા આશરે ૧૫ જિલ્લાઓ તાપમાન , વર્ષાઋતુના વૈવિધ્ય , દરિયાઇ સપાટી, અરેબિયન સમુદ્રમાં ઉદ્ભવતાં તોફાનોને ધ્યાને લઇને ક્લાઇમેટ ચેન્જની દૃષ્ટિએ સંવેદનશીલ છે. કલાઇમેન્ટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબા ગાળાના એક્સન પ્લાનને અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

ગુજરાત રાજ્ય માનવ વિકાસનાં તમામ ક્ષેત્રોમાં એક આદર્શ રાજ્ય બનવાનું ધ્યેય રાખે છે. ગુજરાતે કોઇપણ પરિવર્તન અને નાવીન્ય માટે હંમેશાં પહેલ કરી છે. જળવાયુ પરિવર્તનના વૈશ્વિક એજન્ડામાં ભાગ લેવા ભારત સરકારે ક્લાઇમેટ ચેન્જના નિયત કરેલા લક્ક્ષ્યાંકો અનુસાર ગુજરાતનો નવો સ્ટેટ એક્શન પ્લાન આવનારા ૧૦ વર્ષ એટલે કે ૨૦૩૦ સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે.આ એક્શન પ્લાનમાં રિન્યૂએબલ એનર્જી, એનર્જી સેવિંગ, વૉટર કન્ઝર્વેશન, વનીકરણ, સાગરકાંઠાના વિસ્તારો, આદિજાતિ ક્ષેત્રો, પશુપાલન, ખેતી, આરોગ્ય, જેવાં વિવિધ પાસાઓને આવરી લેવાયાં છે. આમ, ક્લાઇમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એક્શન પ્લાનને અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ એક્શન પ્લાનનો મુખ્ય હેતુ એક એવા ભવિષ્યનું નિર્માણ કરવું કે "જેમાં એક સંતુલિત જળવાયુ પારિસ્થિતિક તંત્રનું જતન થાય."

આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરવા ઇચ્છુક દરેક રાષ્ટ્ર પાસે પર્યાપ્ત માત્રામાં અને પરવડે તેવી કિમતે ઊર્જા હોય તે પાયાની જરૂરિયાત છે. આથી રાજ્ય સરકારે રાજ્યમાં ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા દ્વિપાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. જેમાં પુન: પ્રાપ્ય ઊર્જા થકી વીજઉત્પાદનના કાર્યક્રમને વેગ આપવો અને અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોની ઊર્જા કાર્યદક્ષતામાં વધારો કરવો.

ઊર્જા સુરક્ષા માટે વ્યૂહનીતિ

ગુજરાત દેશના કુલ સ્થાપિત બિન પરંપરાગત ઊર્જા ક્ષમતામાં તેના ૧૨.૩૫% હિસ્સા સાથે કુદરતી પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. જે પૈકી ભારતની પવન ઊર્જા ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો ૨૦.૧૫% રહ્યો છે.

  બિનપરંપરાગત ઊર્જાના સ્રોત તરીકે પવન ઊર્જા સ્વચ્છ અને સલામત ઊર્જા તરીકે ઊભરી રહી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી મુજબ ૧૦૦મી ઊંચાઇ પર ગુજરાતની સંભવિત પવન વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ૮૫૦૦૦ મે.વૉ છે. રાજ્યમાં સ્વચ્છ અને હરિયાળા ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકારે જાહેર કરેલી પવન ઊર્જા નીતિ -૨૦૧૬ હેઠળ ચાલુ વર્ષ દરમ્યાન રાજ્યમાં વધુ ૫૮૮.૩૩ મેગાવૉટ ક્ષમતાના વિન્ડ ફાર્મ જાન્યુઆરી -૨૦૨૧ સુધીમાં કાર્યરત કરાયાં છે. આમ, રાજ્યની કુલ પવન વિદ્યુત ઉત્પાદન ક્ષમતા વધીને ૮૧૨૯.૮૫ મેગાવૉટ થઇ છે.

  રાજ્યમાં સ્વચ્છ અને હરિયાળા વીજ ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકારે જાહેર કરેલ સૌર વિદ્યુત નીતિ -૨૦૧૫ હેઠળ ચાલુ વર્ષ દરમ્યાન રાજ્યમાં કુલ ૧૦૯૩.૭૨ મેગાવૉટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ જાન્યુઆરી-૨૦૨૧ સુધી કાર્યરત કરવામાં આવ્યા છે. આમ, રાજ્યની કુલ સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૪૦૪૨.૦૯ મેગાવૉટ થઇ છે.

  સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત 1.77 લાખ ઘરોમાં ૬૬૨ મેગાવૉટની સોલાર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવી છે. સરકારી કચેરીઓની છત પર અંદાજે સાત મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિિસ્ટમ સ્થાપવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  આપણો દેશ તેની ૭૦% પેટ્રોલિયમ જરૂરિયાત આયાત કરીને પૂરી પાડતો હોવાથી આપણા દેશ સામે પેટ્રોલિયમ પેદાશોની માંગ પુરવઠાને સંતુલિત કરવાનો સતત પડકાર રહે છે. રાજ્ય સરકારે પરંપરાગત ઊર્જાના વપરાશનો ઘટાડો કરી સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઇ- રિક્ષાઓનો વપરાશ વધે તે ઉદ્દેશથી ઇ-રિક્ષા દીઠ રૂ. ૪૮,૦૦૦ની સબસિડી માટે રૂ. ૨૬ કરોડની જોગવાઈ કરી છે. ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા ટુ વ્હિલર માટે વાહનદીઠ રૂ. ૧૨૦૦૦ની સબસિડી આપવા માટે રૂ. ૧૩ કરોડની જોગવાઈ કરી છે.

  રાજ્યમાં આવેલ ગૌશાળા, પાંજરાપોળ ખાતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે ૭૫% લેખે સહાય આપવા માટે રૂ. ૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  લાકડાની બચત અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના હેતુથી રાજ્યની ૧૨૦૦ ગ્રામ પંચાયતોને સુધારેલી સ્મશાન ભઠ્ઠી સ્થાપવા માટે રૂ. ૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  રાજ્યની સરકારી શાળાઓમાં ૧૭,૫૦૦ એલઇડી ટ્યૂબલાઇટ અને ૧૮,૫૦૦ સ્ટાર રેટેડ પંખા નાખવામાં આવશે તેના માટે રૂ. ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉપલબ્ધિ

  ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા ભારત સરકાર તથા વિશ્વ બેંકની સહાયથી શિવરાજપુર, દ્વારકા ખાતે ભારતનો સૌ પ્રથમ પર્યાવરણની દૃષ્ટિ એ સ્વચ્છ અને સુઘડ રીતે બ્લ્યૂ ફ્લેગ બીચ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ બીચને આંતરરાષ્ટ્રીય બ્લ્યૂ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જે સહેલાણીઓ માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અનોખો થીમ પાર્ક કેવડિયા કોલોની ખાતે બનાવવામાં આવેલ છે જે કેવડિયા સંકલિત વિકાસનો ભાગ છે. ‘સહી પોષણ દેશ રોશન’શિર્ષક હેઠળ તૈયાર થયેલા આ પાર્કમાં તંદુરસ્ત આહાર આદતો અને પોષણ મૂલ્ય વિશે બાળકોને વ્યાપક જાણકારી આપવામાં આવે છે.

  જીઇસી દ્વારા રાજ્યમાં મેન્ગ્રુવ વિસ્તાર વધે તે હેતુથી કચ્છ અને ખંભાતના અખાત વિસ્તારમાં 15000 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં મેન્ગૃવનું વાવેતર કરવામાં આવ્યું છે.

  ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા રાજ્યના તમામ તાલુકા માટે ઇકોલોજીકલ પ્રોફાઇલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે જે પારિસ્થિતીક વિજ્ઞાન અને પર્યાવરણીય સંરક્ષણમાં રસ ધરાવતા લક્ષ્યજૂથોને ઘણો જ ઉપયોગી થશે.

  વિશ્વ બેંક પુરસ્કૃત સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટ અંતર્ગત દરિયાકાંઠાના કુલ 112 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૨૮ ગામોમાં ૩૦ લઘુ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યા છે. જેથી સ્થાનિક લોકોની આજીવિકામાં વધારો થયો છે.•

હરેશ્વરી રાબા

(5:02 pm IST)