Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજકોટ - જેતપુર સિકસ લેન હાઇવે અને બ્રિજને કેન્દ્રની મંજૂરી

રાજ્યના 'વિકાસ દિવસે' કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કરી મહત્વની જાહેરાત : મ.ન.પા.ના આવાસોની ફાળવણી સહિતના વિકાસકામોનું લોકાર્પણ : ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન

રાજકોટ તા. ૭ : રાજય સરકારશ્રીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વિકાસ દિવસ' અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ આજે સવારે ૯.૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી, નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ, રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજયના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ તથા રાજયના પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.મ્યુનિસિપલ કમીશનર આશિષકુમાર, એ.કે.સિંઘ, ચેતન નંદાણી તથા રૂડા ચીફ એકઝીકયુટીવ ઓફિસર ચેતન ગણાત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જોડીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણ નીતિ અનુસાર વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી છે તે માટે તેમણે અભિનંદન આપું છુ.

વતનપ્રેમ યોજના અંતર્ગત વિદેશમાં તથા ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાની એક સુંદર યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં ગુજરાત સરકાર ૪૦% રકમ ફાળવશે. તો મારી દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને આ યોજનામાં જોડાઈ માતૃભૂમિના વિકાસમાં સાથસહકાર આપવા અપીલ છે. આજરોજ રાજયમાં ૨૫,૦૦૦ આવાસો લોકાર્પણ કરવામાં આવ્યા છે અને બીજા ૪૫,૦૦૦ આવાસો માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. સને ૨૦૨૨ સુધીં ઘર વિહોણા લોકોને ઘર મળી તેવું નરેન્દ્રભાઈનુ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે. કોઈપણ રાજયમાં મજબુત રોડ નેટવર્ક વિકાસની પારાશીશી છે. ગુજરાતમાં મજબુત રોડ નેટવર્ક માટે ગડકરીજીને અભિનંદન આપું છું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવે છે કે, સરકારના ૦૫ વર્ષની ઉજવણી નહિ પરંતુ, જનકાર્યનો સેવા યજ્ઞ છે. આજે એક મંચ પરથી એકસાથે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયેલ છે.

વિશેષમાં, મુખ્યમંત્રીએ જણાવેલ કે, પ્રધાનમંત્રીશ્રીએ નર્મદાનો પ્રશ્ન ઉકેલીને ગુજરાતના વિકાસ દ્વ્રારો ખોલ્યા છે ત્યારે રાજય સરકાર ખેડૂતો, આદિવાસીઓ, બેરોજગારો, સાગરખેડુ વિકાસ, વનબંધુ યોજના-૨, સોલાર, ટુરીઝમ, અનેક ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવ્યું છે.

આ પ્રસંગે પોતાના વર્ચ્યુઅલ ઉદબોધનમાં કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છુ. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અત્યારે તેમણે રાજયને પ્રગતિશીલ બનાવ્યું હતું, હવે રાજય સમૃદ્ઘ બનવા તરફ ગતિ કરી રહ્યું છે. રાજયના રાજકોટ-જેતપુર હાઈવે સિકસ લેન બનશે. એકસપ્રેસ ગુજરાતના ૭ જીલ્લામાંથી પસાર થશે અને તેમાં પછાત એવો આદિવાસી એરિયા પણ કવર થશે જેના કારણે તે એરિયાની પ્રગતિના દ્વાર ખુલશે. દેશભરમાં અમેરિકાના સ્ટાન્ડર્ડના રોડ બનવાનો નિર્ધાર કર્યો છે. અગાઉની સરકારના વખતમાં દરરોજ ૨.૦ કિમીના રોડ બનવાનું કામ હાથ ધરાતું પરંતુ હવે ૩૮ કિમીના કામ પુરા થાય છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સ્વપ્ન 'સૌને ઘર'ને સિધ્ધ કરવાના હેતુ માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 'પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)' તા.૨૦/૧૧/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાના અમલથી રાજયના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધીમાં 'પોતાના સ્વપ્નનું ઘર' મળી રહે તેમજ તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનો રાજય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન બાંધકામ માટે રૂ.૧,૨૦,૦૦૦ની સહાય સાથે લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મળતી બીજી વધારાની સહાય મળીને કુલ રૂ.૧,૫૨,૧૬૦ની સહાય આપવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ વર્ચ્યુઅલ લોકાર્પણ, ખાતમુહૂર્ત પ્રસંગમાં સૌનું સ્વાગત કર્તા એમ જણાવેલ કે, વડાપ્રધાનશ્રી દ્વારા 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ' સુત્રને ધ્યાન રાખી, દેશની વિકાસ યાત્રા આગળ ધપાવાવમાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસપથ પર કુચ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કુલ રૂ.૨૩.૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું. તેમજ વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર ટીપી સ્કીમ નં.૧૩ના વિસ્તારમાં મહિલા ગાર્ડન તથા થીમ પાર્ક ગાર્ડન વિકસિત કરી ૦૩ વર્ષ નિભાવની કરવાનું રૂ.૬૩ લાખથી વધુ ખર્ચના કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ EWS-2ના ૧૨૭૬ આવાસોના ફાળવણી ડ્રો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા પુષ્પગુચ્છ આપી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનું સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. આ પ્રંસગે શાબ્દિક સ્વાગત પ્રવચન વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડએ કરેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી. જયારે ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

(3:49 pm IST)