Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવામાં વેપારીઓનો સમય વેડફાય છે

ક્રેડિટ મોડી મળવાથી વધતી નાણાં ખેંચ

અમદાવાદ, તા.૭: દેશમાં સવાસો કરોડથી વધુ જીએસટી કરદાતા છે. પરંતુ જીએસટી સિસ્ટમથી બધા ખુબ જ પરેશાન થઇ ગયા છે. વેપારીઓ ધંધા રોજગારમાં ધ્યાન આપી શકતા નથીને નોટિસો ના જવાબ આપવામાં અને ઇનપુટ ટેકસ ક્રેડિટ આઇટીસી મેળવવામાં જ સમય બગડે છે. કાયદામાં જોગવાઈ અને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં હજી નિરાકરણ આવ્યું નથી. અગાઉ અદાલતે પણ આ બાબતે અવારનવાર ટકોર કરી છે. તેની સાથે સાથે બોગસ બાલિંગના પણ ઉદાહરણો એટલા બધા છે કે વિભાગ પણ આઇટીસીને મંજૂર કરવામાં ખચકાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં રૂ. ૨૫૦૦ કરોડની કરચોરી ઝડપાઈ છે. ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે.

કલમ ૧૬ સીજીએસટી કાયદા પ્રમાણે, આઇટીસી ત્યારે જ મળે જો ટેકસ બિલ બન્યું હોય, માલ મળ્યો હોય, કર ચૂકવણી કરી હોય તેમજ માલ મેળવનારે રિટર્ન ફાઈલ કર્યું હોય. આજની તારીખે પણ આ વ્યવહારો મેચ થતા નહી હોવાની સમસ્યા યથાવત છે. જીએસટીઆર ૨એ, ૨બી સુવિધા છે પણ જયારે સપ્લાયર ટેકસ ઈન્વોઈસ અપલોડ કરે ત્યારબાદ પ્રાપ્તિકર્તાને લાભ મળે છે. પરંતુ સપ્લાયરે ટેકસ ભર્યો છે કે નહિ તે ખબર પડતી નથી અને અનેક સમસ્યાઓ પેદા થાય છે.

જેન્યુઇન વેપારીઓને આઇટીસી ન મળવાથી નાણાંખેંચ અનુભવે છે તેમની વર્કિંગ કેપિટલ મહિનાઓ સુધી બ્લોક થવાથી કેશ ક્રેડિટ બેન્કમાંથી લેવી પડે છે અને ઘણીવાર ટૂંકા ગાળા વ્યાજ ઉપર લોન લેતા હોય છે. એટલે, જીએસટી કાઉન્સિલે વારંવાર નોટિફિકેશન ન બદલવા જોઈએ અને સિસ્ટમ સુધારા ઉપર ધ્યાન આપવું જોઈએ એમ સી.એ. સિદ્ઘાર્થ ભટ્ટે જણાવ્યું હતું.

આવી જ સમસ્યા આવકવેરામાં પણ છે. ઇન્કમ ટેકસની વેબસાઇટમાં હજુ પણ ધાંધિયા છે. આ બાબતે સીએ નિલેશ શાહે જણાવ્યું હતુ કે એક બાજુ ટીડીએસ ક્રેડિટ ક્રેડિટ દેખાતી નથી તેથી આવક વેરાના રિટર્ન ફાઇલ થઇ શકતા નથી. ટેકસ ઓડિટની યુટીલીટી પણ વેબસાઇટ પર નથી એટલે હજી ઓડિટ શરુ થઇ શકયા નથી. ફોર્મ ૧૫ ઈઅ /ઈઇ જે ફોરેન રેમિટન્સ માટે વપરાય છે તે ઇફાઇલ થતું નથી એટલે વિદ્યાર્થીઓને વિદેશમાં પૈસા મોકલવા, માલ ખરીદીના રૂપિયા મોકલવામાં ખુબ તકલીફ પડી રહી છે અને બેંકો ઇફાઇલ કરેલા ફોર્મ માંગે છે. અપીલ, કારણદર્શક નોટિસનું ઇ-ફાઇલિંગ થઇ શકતુ નથી. આમ કરદાતાઓનો સિસ્ટમ ઉપરથી વિશ્વાસ ડગી રહ્યો છે. તો સામે વ્યાવસાયિકોની સમય બરબાદી થાય છે, અંતિમ તારીખ જેમ જેમ નજીક આવે ત્યારે માનસિક તાણ વધતુ જાય છે. આ અંગે પીએમઓએ સત્વરે પગલાં લેવા જોઇએ તેવી માગ ઉઠી રહી છે.

(10:29 am IST)