Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પાલનપુરના ખ્યાતનામ લીલાવતી કીર્તિલાલ મહેતાનો પારિવારીક ઝવેરાતનો ઝગડો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો

ટ્રસ્ટની લીલાવતી હોસ્પિટલ મુંબઈના સંચાલક પ્રશાંત મહેતાએ હાઇકોર્ટમાં કરી અરજી

બનાસકાંઠા: પાલનપુરના મણી ભુવનમાં પારિવારીક વારસાઈ 45 કરોડની કિંમતના હીરા ઝવેરાતની કથિત ચોરી અંગે એફઆઈ આર દાખલ કરવા મુંબઈ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી  દ્વારા ગુજરાત હાઇકોર્ટમા અરજી દાખલ કરાઈ છે,જેને લઈ બનાસકાંઠામાં ફરી એકવાર 45 કરોડની ચોરી અંગે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

લીલાવતી કીર્તિલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટની લીલાવતી હોસ્પિટલ મુંબઈના સંચાલક પ્રશાંત મહેતાએ હાઇકોર્ટમાં કરેલ અરજીમાં જણાવ્યું છે કે, તેમના દાદાએ ઘણાં વર્ષો પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન બનાવ્યું હતું. જે મકાનના ભોંયરામાં એક તિજોરી હતી જેમાં તેમના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત, એન્ટીક વસ્તુઓ સહિતની વસ્તુઓ વર્ષોથી સાચવી રાખી હતી.

અને વર્ષ 2019મા મણીભુવનના રિનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટ તિજોરીને તોડવામા આવી હતી. અને મણીભુવનનું સંચાલક કરતા લોકોએ તિજોરીમાંથી 45 કરોડની વસ્તુઓ ચોરી કરી હોઈ આ મામલે એફઆઈઆર દાખલ કરવા બનાસકાંઠા પોલીસ વડાને અરજી અપાઈ હતી. પરંતુ પોલીસ તપાસમાં તપાસ માં ઢીલાશ કરતી હોવાના આક્ષેપો કરાયા હતા

જો કે બાદમાં પોલીસને મળેલી 45 કરોડના હીરા ઝવેરાતની ચોરી અંગેની અરજીને લઈ બનાસકાંઠા એલસીબી દ્વારા મણીભુવનની મુલાકાત લઈ તપાસ કરતા અહીં મુદ્દામાલ હયાત હોવાનું માલુમ પડ્યું હતું. બીજી બાજુ પ્રશાંત મહેતાએ હીરા ઝવેરાતની ચોરી અંગે પોલીસ એફઆઈઆર નોંધે તેવી માંગ કરતા પોલીસને પારિવારીક વારસાઈ માલિકીમા હીરા ઝવેરાતની ચોરી સ્પષ્ટ થતી ન હોઈ બન્ને પક્ષના ખુલાસા લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગગલે જણાવ્યું હતું કે, પાલનપુર મણીભુવનમા વર્ષોથી સાચવી રખાયેલા લીલાવતીબેનના 45 કરોડના હીરા ઝવેરાતની ચોરી અંગેની અરજી મળતા એલસીબી મારફતે તપાસ કરતા મણી ભુવનમાં વર્ષોથી સાચવી રખેલાયેલા પરીવારની માલીકીના હીરા ઝવેરાત મળી ગઇ હોઈ એફઆઈઆર દાખલ કરવાનો પ્રશ્ન જ નથી. અને ફરિયાદી ને ચોરી અંગેના આધાર પુરાવા રજુ કરવા જણાવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ આવ્યું નથી જે માટે પોલીસ દ્વારા બે વાર નોટિસ આપવામાં આવી છે.

(12:02 am IST)