Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માતા-પિતાનું સપનું સાકાર કરવા વણીક સમાજના દીકરાનું અનોખું સાહસ,જાણીને થશે ગર્વ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :  માતા-પિતા માટે પોતાનો દીકરો કે દીકરી સારી કારકિર્દી બનાવે એવી જ મહેચ્છા હોય છે.પણ એની સાથે સાથે મતા પિતા એમ પણ ઇચ્છતા હોય છે કે સંતાનો ભણી ગણીને આગળ વધે,આ જમાનામાં ભણતરનું પણ એટલું જ મહત્વ છે.પણ આજે વાત છે રાજપીપળાના એક એવા માતા પિતાની કે જેમણે પોતાના એકના એક દિકરાને ભણવા કરતા ગણવામાં માહિર બનવાની શીખ આપી.અને દીકરાએ પણ માતા-પિતાનું સપનું સાકાર કરવા અનોખું સાહસ કરી રાજપીપળાથી મુંબઈ અને સુરત સુધીની સફર ખેડી આજે સુરત ખાતે એકલે હાથે સલુન ચલાવી રહ્યો છે.

રાજપીપળાના દિવ્યેશભાઈ ગાંધી નર્મદા વન વિભાગમાં ફરજ બજાવે છે.તેઓ જન્મજાત અસાધ્ય રોગ એવા હિમોફિલિયા નામના રક્ત સંબંધિત રોગથી પીડાય છે. આ રોગને લીધે તેઓ સમય જતા શારીરિક રીતે
અશક્ત પણ થયા,જે તે સમયે એમનો ઈલાજ ઘણો જ મોંઘો હતો.એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો નામ રાખ્યું એનું દેવાંશું.સરકારી નોકરીમાં ફક્ત ઘર ખર્ચ જ કાઢી શકાય એવા સંજોગો પેદા થયા.પણ પત્ની મનીષા ગાંધીએ એમને હિંમત આપી પોતે બ્યુટી પાર્લરનો વ્યવસાય ચાલુ કરી પતિના દવાના અને પુત્રના ભણતર ખર્ચ માટે મદદરૂપ થયા.
પુત્ર દેવાંશું ભણવામાં થોડો નબળો, એટલે પિતા દિવ્યેશ ભાઈએ એને એવી સલાહ આપી કે બેટા હવે હું કેટલુ જીવવાનો ભણે નહીં પણ ગણજે ખરો અને કોઈનો ઓશિયાળો ન બની પગભર થજે.પિતાએ પણ પોતાનો પુત્ર સ્વાવલંબી બને એવું સપનું સેવ્યું.પિતાએ આપેલી શીખ અને સપનું પૂરું કરવા પુત્રએ ભણવાનું બાજુએ મૂકી નાની ઉંમરે જ પોતાના માતા-પિતાથી દૂર સાવ અજાણ્યા શહેર એવા મુંબઈની વાટ પકડી અને પોતાની માતાના નકશે કદમ પર બ્યુટીશિયનનો કોર્ષ ચાલુ કર્યો. શરૂઆતમાં તો એને અજાણ્યા શહેરમાં ઘણી તકલીફ વેઠી પણ પોતે જવાબદાર બની માતા-પિતાની તકલીફો જોઈ થોડા જ સમયમાં એ ત્યાં કમાતો જાય અને સાથે સાથે ભણતો પણ જાય.એક સમય આવ્યો કે એણે પોતાના પિતાએ જોયેલું સપનું સાકાર કર્યું.એણે મુંબઈના પ્રખ્યાત ઇન્ટરનેશનલ હેર ડિઝાઈનર હરીશ ભાટિયાની ઇન્સ્ટિટ્યૂટ માંથી ડિપ્લોમા કોર્ષ પૂર્ણ કર્યો.એણે પોતે બલાઈન્ડ હેર કટિંગમાં માસ્ટરી પણ પ્રાપ્ત કરી છે.
હવે રાજપીપળાથી લઈ મુંબઈ સુધીની સફર ખેડી એ દરમિયાન દેવાંશું ગાંધીની કામમાં પ્રમાણિકતા જોઈ મુંબઈ ખાતે હરીશ ભાટિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરે દેવાંશુંને પોતાની પાસે જ રાખી લીધો.એ દરમિયાન ત્યાં કામે આવતા રાજસ્થાનના વતની પ્રકાશચંદ્ર વ્યાસે સુરત- અડાજણ ખાતે યુનિસેક્સ સલૂન એન્ડ બ્યુટીશોપ પોતાના ખર્ચે ઉભી કરી અને એનું સમગ્ર સંચાલન દેવાંશુંને સોંપી દીધું.હાલ દેવાંશું ગાંધી ખંતથી એ સલૂન ચલાવી પણ રહ્યોં છે.આજના જમાના માટે આ કિસ્સો કદાચ ફિટ ન બેશે, એનું કારણ એ છે કે ભૂતકાળમાં પોતાના સંતાનો માટે માતા-પિતાએ ગમે એવી તકલીફો વેઠી હોય પણ પોતે પગભર થાય ત્યારે એ તલલીફો સંતાનો ભૂલી જતા હોય છે.પણ રાજપીપળાના યુવાનનો કામ પ્રત્યેની ધગશ, પ્રામાણિકતા નો આ કિસ્સો 21 મી સદીના આગમન સમયે યુવાનો માટે બોધપાઠ રૂપ જરૂર કહી શકાય.

(10:41 pm IST)