Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સિવિલ એન્જિનિયરીંગના પ્રતિભાવંત વિદ્યાર્થીને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવા મળશે તક :GTU અને GCA વચ્ચે MOU કરાયાં

આગામી દિવસોમાં અન્ય શાખાના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવશે

અમદાવાદ :ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતાં ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે , તે હેતુસર વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશિપ ફરજીયાત કરવામાં આવી છે. આ અનુસંધાને વિદ્યાર્થીને મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટર્નશિપ કરવા મળે તે માટે જીટીયુના ઈન્ટ્રીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ (I-TAP) કાર્યરત છે.

તાજેતરમાં જ જીટીયુ અને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન (જીસીએ) વચ્ચે સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે એમઓયુ કરવામાં આવ્યાં છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે. આ એમઓયુ પર જીસીએના ચેરમેન અરવિંદ પટેલ અને જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

સિવિલ એન્જિનિયરીંગ શાખામાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાં હોય છે. યોગ્ય પ્રતિભાવંત વિદ્યાર્થીને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક અને કંપનીની જરૂરીયાત આધારીત પ્લેસમેન્ટ પૂરૂં પાડવામાં આ એમઓયુ મદદરૂપ થશે.

સાઇટ્સ વિઝીટ, અદ્યતન ટેકનોલોજી અને બાંધકામ ક્ષેત્ર પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ , સિવિલ એન્જિનિયરીંગના રિસર્ચ , સહાયક ઉદ્યોગો જેવા કે, સિવિલ મશીનરી ઉત્પાદન , સોફ્ટવેર ડેવલપર્સ અને સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થશે.

આગામી દિવસોમાં અન્ય શાખાના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે આ પ્રકારે એમઓયુ કરવામાં આવશે. આ પ્રસંગે આઈ-ટેપ હેડ ડૉ. કેયુર દરજી, જીટીયુ એન્જિનિયરીંગ વિભાગના ડીન ડૉ. જી. પી વડોદરીયા , સિવિલ એન્જિનિયરીંગ વિભાગના બોર્ડ ઑફ સ્ટડીઝ મેમ્બર ગીરીશ શિંગાઈ અને જીસીએના કોર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં

(10:19 pm IST)