Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ખાનગી શાળાના શિક્ષકોને પણ અનુભવોના આધારે ગ્રાન્ટેડ શાળાના આચાર્ય અને જૂના શિક્ષકની ભરતીમાં લાભ આપો

ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજૂઆત

અમદાવાદ :  રાજ્યની ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કે જેમણે સ્ટાફ પ્રોફાઈલ મંજૂર કરાવી છે તેમને અનુભવોના આધારે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય અને જૂના શિક્ષકની ભરતીમાં લાભ આપવા માટે સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

ખાનગી શાળાના શિક્ષકોના અનુભવને ગ્રાહ્ય રાખીને રાજ્યમાં સારા શિક્ષકોને કામ કરવાની તક મળે તેવી સંચાલક મંડળે લેખિતમાં રજૂઆત કરી છે. અગાઉ આ મુદ્દે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અપીલ પાછી લઈ લેવામાં આવી હતી. જોકે, હવે સારા શિક્ષકોનો લાભ મળે તે માટે નિર્ણય કરવા માટે માગણી કરાઈ છે.

રાજ્યની સ્વનિર્ભર શાળાઓમાં ફરજ બજાવનારા અને ફરજના સમયગાળા દરમિયાન જે તે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેઓની સ્ટાફ પ્રોફાઈલ પર સહી સિક્કા કરાવીને મંજૂર કરાવેલા હોય તેવા કિસ્સાઓમાં તે અનુભવને ગ્રાહ્ય રાખીને રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વિનિયમિત થયેલા કર્મચારીઓના અનુભવને ધ્યાને લઈને તેઓને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની ભરતી અને જૂના શિક્ષકની ભરતીમાં લાભ આપવો જોઈએ તેમ ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

પટેલે શિક્ષણમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રજૂઆતની સાથે કાનૂની તર્ક પણ રજૂ કર્યા છે. જેમાં રાજ્યની ચાલતી તમામ ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓને મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. બોર્ડ દ્વારા માન્ય તમામ શાળાઓને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 લાગુ પડે છે. કોર્ટની પરિભાષામાં શિક્ષક શબ્દને શિક્ષક તરીકે જ ગણાય છે.

આમ, કેવા પ્રકારની શાળામાં કામ કરે છે તે જોવાના બદલે શિક્ષકનું કામ શિક્ષણ આપવાનું છે અને બધા પ્રકારની શાળાઓમાં એક સમાન હોય છે. આ જ રીતે એક્સપિરિયન્સ શબ્દને પણ ગુજરાતીમાં અનુભવ તરીકે અને શિક્ષણનો અનુભવ ગણાય છે, તેમાં ગ્રાન્ટેડ કે ખાનગીનો તફાવત હોતો નથી.

ભૂતકાળમાં સ્ટાફ પ્રોફાઈલવાળા કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી શાળાના તથા સ્ટાફ પ્રોફાઈલ મંજૂર થયાના પુરાવા રજૂ કરીને અપીલ દાખલ કરેલી હતી. તે અપીલના અરજદારોને કેટલાક કહેવાતા નેતાઓએ ખોટા પ્રલોભનો આપીને અપીલ પાછી ખેંચવા દબાણ કર્યું હતું, તેવો આક્ષેપ પણ સંચાલક મંડળે કર્યો હતો.

આવા સંજોગોમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા સામે સ્વનિર્ભર શાળાઓની સંખ્યા લગભગ બમણી છે, ત્યારે ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓના અનુભવને ગ્રાહ્ય રાખીને રાજ્યમાં સારા શિક્ષકોને કામ કરવાની તક મળે તેવી સંચાલક મંડળે રજૂઆત કરી છે.

(10:13 pm IST)