Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઉત્તર ગુજરાતના ગામોમાં પાવર કટની જાહેરાત ભાજપ સરકારની અણઆવડતનો નમૂનો: કોંગ્રેસનો મોટો આક્ષેપ

ખાનગી વીજ કંપનીઓને ફાયદો કરાવવા માટે સરકારી વીજ મથકોમાં ઉત્પાદનમાં કરાય છે ઘટાડો

અમદાવાદ : કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે” ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત હકીકતમાં ભાજપ સરકારની અણઆવડત,આયોજનનો અભાવ અને ખાનગી વીજ કંપનીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટેનું કૌભાંડ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશીએ કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ખાનગી વીજ કંપનીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે સરકારી વીજ મથકોમાં સતત ઉત્પાદન ઘટાડો કરી રહી છે. સરકારી વીજ મથકોમાં સતત અસુવિધા, મેન્ટેનન્સનો અભાવ જેવા કારણે છેલ્લા 15 વર્ષમાં સતત વીજ ઉત્પાદન ઘટાડો જોવા મળી રહ્યો છે બીજીબાજુ રાજ્ય સરકાર ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઊંચા ભાવે કરોડો રૂપિયાની વીજ ખરીદી કરીને સુનિયોજિત કૌભાંડ આચરી રહી છે.

ડો. મનીષ દોશીએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સરકારી વીજ મથકો માટે જરૂરી કોલસો ખરીદવામાં સરકારની નીતિ અને નિયત સાફ નથી. ઉત્તર ગુજરાત વીજ કંપની અને અન્ય વિભાગની કંપનીઓએ વીજ જનરેટર પ્લાન્ટ બંધ હોવાથી ખેતીના ફીડર બંધ કરી દીધાના સંદેશા ખેડૂતોને આપી રહી છે.

વીજ સરપ્લસ સ્ટેટના દાવો કરતી ભાજપ સરકારમાં ખાનગી વીજ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની ખરીદીમાં મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યું છે. સરકારી વીજ મથકોને સમયસર કોલસો અને ગેસ ઉપલબ્ધ કરાવવામાં વિલંબ પાછળ પણ ખાનગી વીજ મથકોને ફાયદો કરાવવાની નીતિ જવાબદાર છે જેને લીધે મોંઘી વીજળીનો બોજ ગુજરાતના ગ્રામીણ નાગરિકો અને ખેડૂત પર પડી રહ્યો છે.

બીજી તરફ રાજય મંત્રીમંડળની બેઠક બાદ સરકારી પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણી તથા રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પત્રકાર દ્રારા આ સંબંધી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં મંત્રી જીતુ વાઘાણીએ વિભાગ પાસેથી માહિતી લેવી પડશે.

(10:10 pm IST)