Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પગાર ન આપતા ધમકાવીને ઓનલાઈન ટ્રાન્સફર કરાયા

અમદાવાદના બોપલ વિસ્તારની ઘટના : કર્મચારી પાસેથી રૃપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મોબાઈલ તેમજ કાર લૂંટી શખ્સો ફરાર થઇ ગયા

અમદાવાદ,તા.૬ : અનેક એવી ફિલ્મો છે જેમાં એવી કહાની જોવા મળે છે કે કોઈ કંપનીના માલિકે પગાર ન આપ્યો હોય તો ઉટ પટાંગ હરકતો કરી કર્મચારીઓ પોતાના પગારનાં નાંણા મેળવી લે છે. આવી જ એક ઘટના બોપલમાં બની છે. સાઉથ બોપલ વિસ્તારમાં બાકી નીકળતો પગાર લેવા બાબતે બે સિક્યોરિટીના માણસો રવિ લાંબાની સિક્યોરિટી સર્વિસ ઓફિસમાં જઈને કર્મચારી પાસે ધાકધમકી આપીને ૧૭ હજાર રૃપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને મોબાઈલ તેમજ તેની કાર લૂંટીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થતા હવે પોલીસે તપાસ શરૃ કરી છે. સાઉથ બોપલના કવિશા અરનિયામાં રહેતા અને સોબો સેન્ટર ખાતે રવિ લાંબાની સિક્યોરિટી સર્વિસ ઓફિસમાં કામ કરતા પ્રશાંત ખરેએ પ્રદ્યુમન શર્મા અને અરુણ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

        થોડા દિવસ પહેલાં પ્રશાંત વીરમગામ ખાતે રોકેટ ઇન્ડિયા નામની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે અરુણ શર્મા અને પ્રદ્યુમન શર્મા આવ્યા હતા અને પ્રશાંત પાસે આવીને કહ્યું કે, શેફનેટ સિક્યોરિટી તરીકે કામ કર્યું તેનો પગાર બાકી છે. જેથી પ્રશાંતે કહ્યું કે, કંપની તરફથી પેમેન્ટ લેટ આવ્યું છે. ત્યારબાદ તમે રિઝાઇન ફોર્મમાં સહી કરી દેશો તો તમારો પગાર એકાઉન્ટમાં જમા કરાવી આપીશું તેવી વાત કરી હતી. તે પછી તેઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ સાંજના સમયે તેઓ ફરી પ્રશાંતની ઓફિસ પર આવ્યા હતા તે સમયે અરુણ શર્માએ કહ્યું કે, અમારો પગાર હાલ રોકડમાં આપવો પડશે. આથી પ્રશાંતે કહ્યું કે હાલમાં મારી પાસે પૈસા નથી. હું રવિને તમારા પગારની વાત કરીશ. પ્રશાંતે આમ કહેતાં બંને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રશાંતને કહેવા લાગ્યા કે પગારના રૃપિયા આપવા પડશે, નહિતર જાનથી મારી નાખીશું. બંનેએ આમ કહીને પ્રશાંત પાસેથી ઓનલાઇન ૧૭ હજાર રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ પ્રશાંત સાથે ઝપાઝપી કરી તેમનો મોબાઈલ અને ખિસ્સામાંથી  કારની ચાવી કાઢી કાર લૂંટીને ભાગી ગયા હતા. પ્રશાંતે આ અંગે તેના મિત્ર અને રવિને જાણ કર્યા બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રદ્યુમન શર્મા અને અરુણ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:10 pm IST)