Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પર્યટન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ : શિવરાજપુર બીચને સતત બીજી વખત મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ

બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ તેમજ બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા: ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ

અમદાવાદ : ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.

બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે.

રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આવેલો છે. 

અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે.

શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.

(8:22 pm IST)