Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

તલાટી મંડળનું આંદોલન મોકૂફ : ખેડૂતોને જણસી અંગેના દાખલાઓ આપવાનું આજથી શરૂ કરી દીધું

સરકાર સાથેની વાટાઘાટોમાં તલાટી મંડળ સાથે સમાધાન:સર્વે બાદ વરસાદમાં થયેલા નુકસાનનુ વળતર વહેલીતકે ચૂકવવામાં આવશે

અમદાવાદ : કેટલાંય વર્ષોથી પડતર રહેલી વિવિધ માંગણીઓની ઉકેલ સાથે પંચાયત હસ્તકના તલાટીઓએ આંદોલન છેડયું હતું. જો કે સરકારની સમજાવટથી મામલો થાળે પડતાં તલાટી મંડળે પોતાનું આંદોલન મોકૂફ રાખીને કામગીરી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જ આજથી ખેડૂતોને જણસી અંગેના દાખલાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચોમાસું પુરજોશમાં હતું. તેને લઇને અમૂક શહેરોમાં ભારે વરસાદના કારણે પાક ધોવાઇ ગયો હતો. આ અંગે સરકાર તરફથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યાં વળી બીજા રાઉન્ડમાં વરસાદે ફરીવાર કેટલાંય વિસ્તારને ઘમરોળી નાંખ્યો હતો. તેના કારણે પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. જેથી સરકારે બીજા રાઉન્ડમાં થયેલા વરસાદમાં થયેલા નુકસાન અંગેનો સર્વે હાથ ધર્યો છે. આ સર્વે પૂર્ણ થઇ ગયા બાદ ખેડૂતોને વળતરની રકમ ચૂકવવામાં આવશે તેમ સરકારી પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું.

બીજી તરફ વરસાદના કારણે થયેલા પાકને ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તલાટી કમ મંત્રીઓ તેમના વર્ષો જૂના પ્રશ્નોને લઇને હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે ખેડૂતોને વાવેતર- ઉત્પાદનના દાખલાઓ મળવાનું બંધ થઇ ગયું હતું. જેથી હોબાળો મચી જવા પામ્યો હતો.

બીજી તરફ સરકાર તરફથી મંત્રીએ કહ્યુ હતું કે, સરકારના સિનિયર મંત્રીઓ સાથે તલાટીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક ચર્ચા થયા બાદ રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં તલાટી-કમ-મંત્રીઓએ તેમની રાજ્યવ્યાપી હડતાળ મુલતવી રાખીને ખેડૂતોને આજથી જણસી અને મગફળી સહિતના વિવિધ પાકોના દાખલાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

(8:14 pm IST)