Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સોસાયટીના શેરી ગરબા રમવા માટે વેક્સીન ફરજીયાત સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જાહેર કરાઈ

ગરબા ઉજવણીમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ: રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે

અમદાવાદ : કાલથી નવરાત્રીના નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનનું પાલન ખેલૈયાઓ અને સંચાલકોને ચુસ્તુપણે કરવાનું રહેશે.

સરકારના હુકમમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે કે, ‘ગરબા ઉજવણીમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.’ રાજ્યમાં 18 વર્ષથી ઉપરના વેક્સિન પાત્રતા ધરાવતા 4.91 કરોડ લોકો છે. આ સાથે વ્યવસાયિકો ઉપરાંત કર્મચારીઓ માટે વેકસીનનો પ્રથમ ડોઝ ફરજિયાત છે. જાહેરનામા પ્રમાણે, આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે
નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ-હોટલ રાત્રીના દસ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે.રેસ્ટોરન્ટમાં રાત્રિના 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. બાગ બગીચાઓ પણ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. આ સાથે પાર્ટીપ્લોટ, કલબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની પરવાનગી આપવામાં આવી નથી.

(7:40 pm IST)