Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ચોમાસાની વિદાય પહેલા અમદાવાદમાં અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

આગામી ત્રણ કલાક અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ માં વરસાદની આગાહી

અમદાવાદ : આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ જતા જતા ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ જિલ્લાઓ તથા દમણ અને દાદરા અને નગર હવેલીમાં આગામી 3 કલાક સુધી વરસાદની નાઉકાસ્ટની આગાહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી (16 ઇંચ) એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે

(7:05 pm IST)