Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

બોરસદ તાલુકાના વાલવોડમાં અગાઉના ઝઘડાની અદાવતમાં આધેડની હત્યા કરનાર આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

બોરસદ:તાલુકાના વાલવોડ ગામે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં આધેડને કોદાળીની મુદર મારીને હત્યા કરી નાંખનાર યુવાનને આણંદની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર વાલવોડ ગામે રહેતા ભાઈલાલભાઈ ધુળાભાઈ ઠાકોર (ઉ. વ. ૫૦)ને અગાઉ મેલડી માતાવાળા ફળિયામાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે પલીયો રાયસીંગભાઈ સોલંકી (ઉ. વ. ૩૭)સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. દરમ્યાન ગત ૯-૪-૧૯ના રોજ સવારના ૧૧.૩૦ કલાકે ભાઈલાલભાઈ જુની ભાગોળ વાઘરીવાસ પાસેથી પસાર થતા હતા ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખીને પ્રવિણભાઈ ઉર્ફે પલીયો કોદાળી લઈને આવી પહોંચ્યો હતો અને ભાઈલાલભાઈને જમણી બાજુ બરડાના ભાગે તેમજ જમણા પગે ઢીંચણ ઉપર કોદાળીની મુદર મારીને ગડદાપાટુનો માર મારી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભાઈલાલભાઈને તેનો ભાઈ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ઢીંચણના ભાગેથી પગ જ ભાગી જવા પામ્યો હતો અને ઘણો ખર્ચો થાય તેમ હોય અને સારવારના પૈસા ના હોય તેનો ભાઈ ઘરે લઈ આવતાં મોત થયું હતુ. આ અંગે રમેશભાઈ ધુળાભાઈ ઠાકોરે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ૧૨-૪-૧૯ના રોજ સાંજના સુમારે પ્રવિણભાઈ ઉર્ફે પલીયાની ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલી કોદાળી જપ્ત કરી હતી. પોલીસે તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસ આણંદની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત જિલ્લા સરકારી વકીલ એન. પી. મહિડાએ દલિલો કરતાં જણાવ્યું હતzુ કે, સામાન્ય બોલાચાલીની અદાવતમાં કોદાળીની મુદર મારીને પગ ભાંગી નાંખી તેમજ બરડામાં પણ જીવલેણ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. જે ફરિયાદી અને સાહેદોની જુબાનીથી તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. જેથી હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનામાં સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માટે અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં વિવિધ ચુકાદાઓ ટાંકીને ૧૫ સાક્ષીઓ તપાસ્યા હતા જ્યારે ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધિશ પી. એમ. રાવલે જિલ્લા સરકારી વકીલની દલિલો તેમજ રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આજીવન કેદની સજા અને ૧૨૦૦ રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

(6:22 pm IST)