Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આણંદ તાલુકાના મોગર ગામે લાઈટ બિલના પૈસા બાબતે બે ભાઈઓ બાખડ્યા

આણંદ:તાલુકાના મોગર ગામે આવેલા શિવજી ફળિયામાં ગઈકાલે સાંજના સુમારે લાઈટ બિલના પૈસા બાબતે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મારક હથિયારોથી થયેલી મારામારીમાં નાના ભાઈએ મોટાભાઈને પેટમાં છરી હુલાવી દેતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે એકને ભાલા, લાકડી તેમજ પાવડાની મુદરથી માર મારતાં વાસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુળ મોગરના પરંતુ હાલમાં આણંદના ઈસ્માઈલનગરમાં આવેલી પૈગામ સોસાયટીમાં રહેતા મનુભાઈ શમશેરભાઈ ખોખરનો પુત્ર અજય તેમજ મોટાભાઈ વિજયભાઈ અને નાનાભાઈ અનિલ મોગર ખાતે રહે છે. વિજયભાઈએ પોતાના ખર્ચે પિતાજીના નામે જીઈબીમાંથી વીજ મીટર લઈને નંખાવ્યું હતુ. જેમાંથી અનિલ અને તેની બાજુમાં રહેતા ભત્રીજા અજયને વીજ કનેક્શન આપ્યું હતુ. પરમદિવસે અનિલે લાઈટ બિલના પૈસા આપવા ના પડે તે માટે તેના ઘર પાસેથી જતો લાઈટનો વાયર તોડી નાંખ્યો હતો અને વિજયભાઈ સાથે બોલાચાલી કરી હતી. દરમ્યાન ગઈકાલે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે વિજયભાઈ અને મનુભાઈ ઘરની સામે આવેલી ઓટલી ઉપર બેઠા હતા ત્યારે અનિલ આવી પહોંચ્યો હતો અને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વિજયે ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા અનિલે વિજયભાઈને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતુ. જેથી મનુભાઈએ વચ્ચે પડીને છોડાવતા અનિલ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી છરી લઈને આવી પહોંચ્યો હતો અને વિજયભાઈને પેટમાં ડાબી બાજુ મારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. છરીનો બીજો ઘા મારવા જતા મનુભાઈને ડાબા હાથની હથેળીમાં વાગી હતી. દરમ્યાન દોડી આવેલા ઘરના સભ્યોએ વધુ મારમાથી છોડાવ્યા હતા. જીવલેણ હુમલો કરીને અનિલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વિજય અને મનુભાઈને ટેમ્પામાં આણંદની જનરલ હોસ્ટિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વિજયભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે વાસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને અનિલભાઈની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી હતી.

 

(6:21 pm IST)