Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આણંદ જીલ્લાના મોગર ગામમાં વિજ બીલના પૈસા બાબતે બોલાચાલી થતા નાના ભાઇએ મોટા ભાઇના પેટમાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો

વાસદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડીને તપાસનો ધમધમાટ

આણંદ: જિલ્લાનાં મોગર ગામમાં બે સગા ભાઈઓ વચ્ચે વીજ બીલનાં પૈસા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા નાના ભાઈએ મોટા ભાઈને પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજળીના વાયર જેવી સામાન્ય બાબતે સગા ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.

મોગર ગામે શીવજી ફળીયામાં રહેતા વિજયભાઈ સમશેરભાઈ ખોખરએ પોતાનાં ધરમાં વીજ મીટર લીધું હતું. આ વીજ મીટરમાંથી વાયર ખેંચીને તેમનો નાનો ભાઈ અનીલ પોતાનાં ધરમાં વીજળી વાપરતો હતો. આ વીજ બીલનાં પૈસા બાબતે અનીલભાઈ અને વિજયભાઈ વચ્ચે બોલાચાલી થતા અનીલે વિજયને કહ્યું હતું કે, તું મારા ધર પાસેથી પસાર થતો વીજ વાયર કાઢી લે. જેથી વિજયએ કહ્યું હતું કે, આ અંગે વિજ વિભાગમાં રજુઆત કરી છે, તેઓ આવીને વાયર કાઢી જશે તેમ કહેતા જ અનીલ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે વિજય પર હુમલો કરી પેટનાં ભાગે ચપ્પુ મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ગંભીરપણે ધવાયેલા મોટાભાઈ વિજયને ત્વરીત સારવાર માટે આણંદની જનરલ હોસ્પીટલમાં ખસેડતા જયાં તબીબોએ વિજયને મૃત જાહેર કર્યો હતો.

ધટનાની જાણ થતા વાસદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. હત્યાનો ગુનો નોંધ્યા બાદ આજે  સવારે મૃતદેહનું પોષ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ તેઓનાં પરિવારજનોને સુપ્રત કર્યો હતો. આ ધટનામાં આરોપી અનીલભાઈને પણ ઈજાઓ પહોંચી હોઈ તેઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. વીજ બીલનાં પૈસા જેવી નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. સમગ્ર ધટના અંગે વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)