Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરતની કેન્‍દ્રીય વિદ્યાલયના ધો.11 સાયન્‍સના વિદ્યાર્થીએ ભણવાના ટેન્‍શનમાં આપઘાત કરી લીધોઃ ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્‍યો

નાપાસ થશે તો મહેનત ઉપર પાણી ફરી વળશે તેવો સતત ભય રહેતો

સુરત: નાપાસ થવાના ડરે રાંદેરના ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ મોતનો રસ્તો અપનાવ્યો છે. સુરતના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીએ સ્યૂસાઈડ પહેલા લખ્યુ કે, તે ભણવા માટે સતત ટેન્શનમાં રહેતો હતો. તેના રૂમમાંથી તેનો ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે જોઈ માતાપિતા પણ હેબતાઈ ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેરના ઉગત રોડ પર શ્રીજી નગરી સોસાયટી આવેલી છે. જેમાં મૂળ બિહારના રણજીત વર્માનો પરિવાર રહે છે. તેઓ સુરતના પીએફ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનો દીકરો રિતેશ વર્મા સુરતની કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે તે પોતાના રૂમમાં વાંચવા ગયો હતો, તેના બાદ લાંબો સમય રૂમમાંથી બહાર આવ્યો ન હતો. તેના પિતા તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે દરવાજો ખોલ્યો ન હતો. તેથી પિતાએ દરવાજો તોડતા તે ફાંસો ખાધેલા હાલતમાં મળ્યો હતો. આ જોઈ તેના માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સ્યૂસાઈડ નોટ મળી

પોલીસ તપાસમાં રિતેશ પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, તેને ભણવા બાબતે સતત ટેન્શન રહે છે. તેને નાપાસ થવાનો ડર લાગ્યા કરે છે. જો તે નાપાસ થશે તો તેની મહેનત પર પાણી ફરી વળશે, જેથી તેણે આપઘાતનું પગલુ ભર્યુ હતું.

(5:15 pm IST)