Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમદાવાદની ઍપોલો સીવીઍસચઍફ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો. સમીર દાણી અને ટીમે ૯૨ વર્ષના વૃદ્ધાનું હૃદય ખોલ્યા વગર વાલ્વ લીકેજની સમસ્યા દુર કરીઃ દેશમાં પ્રથમ આ પ્રકારનું અોપરેશન થયાનો દાવો

અમદાવાદઃ હૃદયના વાલ્વના લીકેજ માટે અત્યાર સુધી છાતી અને હૃદય ખોલી સર્જરી કરવા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો, પરંતુ અપોલો સીવીએચએફ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ડો. સમીર દાણી તથા ટીમ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત અદ્યતન ગણાતી મિટ્રાક્લિપ તરીકે ઓળખાતી મિનીમલી ઈન્વેસિવ પ્રોસિઝર દ્વારા 92 વર્ષીય દર્દીના મિટ્રલ વાલ્વમાં રહેલા લિકેજને નવીન નોન-ઇન્વેસિવ પર્કયુટેનિયસ મિટ્રલ વાલ્વ રિપેર (પીએમવીઆર) ટેકનિકનો ઉપયોગ કરીને સુધારવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આટલી મોટી વય ધરાવતા દર્દી ઉપર થયેલી આ પ્રોસિઝર દેશમાં થયેલી પ્રથમ હોવાની સંભાવના પણ જોવાઈ રહી છે.
અપોલો સીવીએચએફના કાર્ડિયોલોજી સર્વિસીસના ડાયરેક્ટર ડો. સમીર દાણીએ કહ્યું હતું કે, પીએમવીઆર મિટ્રલ વાલ્વ રીગરજિટેશન અને એના પરિણામે હૃદયની જટિલતા સામે ઝઝૂમતા ઘણા કાર્ડિયાક દર્દીઓ માટે ગેમ-ચેન્જર બનશે એવી શક્યતા છે. આ મિનિમલ ઇન્વેસિવ પ્રક્રિયા છે, જેમાં વાલ્વનું લીકિંગ રિપેર કરવા છાતી કે હૃદય ખોલવું પડતું નથી. નવી ટેકનિકનો ઉપયોગ કરીને હૃદય સુધી જાંઘની ધમની દ્વારા પહોંચવામાં આવે છે. કર્ણક વચ્ચે સેપ્ટમ દ્વારા હૃદયની જમણી બાજુએથી નાનું પંક્ચર કરીને હૃદયની ડાબી બાજુએ પહોંચવામાં આવે છે. એક વાર આ કામગીરી થયા પછી એક પ્રકારની સ્ટેપ્લર સ્ટીચ દ્વારા રિપેર કરવામાં આવે છે. આને મિટ્રાક્લિપ કહેવામાં આવે છે.
ડો. દાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, પીએમવીઆર નોંધપાત્ર રીતે દર્દીની બીમારી, જોખમ અને રિકવરી સમયમાં ઘટાડો કરે છે. ઓપન-હાર્ટ સર્જરીમાં દર્દીને સરેરાશ સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે, જેની સામે દર્દીને પીએમવીઆર પ્રક્રિયા પછી બેથી ત્રણ દિવસમાં રજા અપાય છે. મૃત્યુ થવાનું જોખમ સર્જરીમાં 1થી 2 ટકાની સરખામણીમાં ઘટીને 0.5 ટકા થઈ જાય છે.
મિટ્રલ વાલ્વનું માલફંક્શનિંગ ભારતીય લોકો વચ્ચે પ્રમાણમાં સામાન્ય કાર્ડિયાક બિમારી છે. આશરે 2 ટકા પુખ્ત લોકો મિટ્રલ વાલ્વમાંથી થોડુંઘણું લીકેજ ધરાવે છે. ઉંમરની સાથે આ લીકેજમાં વધારો થાય છે. 40થી 60 વર્ષના લોકોમાં આ રેન્જ 15થી 20 ટકા છે, તો 75 વર્ષથી વધારે વય ધરાવતા લોકોમાં 25થી 30 ટકા જેટલું ઊંચું છે. સામાન્ય રીતે વાલ્વ લીકેજના મધ્યમ-હળવા કેસનું મેનેજમેન્ટ દવાઓ દ્વારા થાય છે. જોકે, જ્યારે આ સમસ્યા મધ્યમથી ગંભીર થાય છે, ત્યારે વાલ્વ રિપેર કે વાલ્વ રિપ્લેસમેન્ટ જેવા સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર પડે છે.
મિટ્રલ વાલ્વ રોગના સામાન્ય લક્ષણોમાં   શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી મુખ્ય છે, જે તણાવ દરમિયાન સૌપ્રથમ દેખાય છે અને જેમ સ્થિતિ કથળે તેમ  આરામના સમયમાં પણ  અનુભવાય છે. 92-વર્ષીય દર્દી મુખ્યત્વે શ્વાસની તકલીફથી પીડિત હતા અને છેલ્લાં આઠ મહિનામાં છ વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. અત્યારે આ વયોવૃદ્ધ દર્દી સ્થિર છે અને ડૉક્ટરોને ઇવેન્ટ-ફ્રી રિકવરીની આશા છે.
આ પ્રક્રિયા અમેરિકામાંથી વિઝિટિંગ કાર્ડિયોલોજી નિષ્ણાતોએ શહેરની અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં હાથ ધરી હતી જેમાં ગુજરાતી મૂળના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો.. રાજ મક્કર, કાર્ડિયોલોજિસ્ટ ડો. તરુણ ચક્રવર્તી અને કાર્ડિયોલોજીમાં એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. મૂડી મકર સાથે ડો. સાંઈ સતીશ પ્રખ્યાત ઇન્ટરવેનશ્ન્લ  કાર્ડીઓલોજિસ્ટ - ચેન્નાઇ અને ડો. સમીર દાણી, ડિરેક્ટર અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ સામેલ હતા. ડો. રાજ  મક્કર ટ્રાન્સકેથેટર મિટ્રલ વાલ્વ રિપેર પ્રક્રિયાઓ માટે જગપ્રસિદ્ધ છે અને વર્ષ 2020માં અમેરિકામાં તેમણે  સૌથી વધુ મિટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરી છે. એ જ રીતે ડો. સાંઈ સતીશે ભારતમાં સૌથી વધુ આ પ્રકારની સારવાર કરી છે.

Attachments area

(5:08 pm IST)