Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

લોકડાઉન ફળ્યું: રાજયભરમાં સનેડા પ્રકારની ચણિયા-ચોળી સૌથી વધુ લોકપ્રિય

ચણિયા-ચોળી બનાવતા ગુજરાતના પરિવારોએ આફતને ફેરવી અવસરમાં

અમદાવાદ, તા.૬: ગુજરાતી લોકો આફતને અવસરમાં ફેરવી દેનારા છે તેની પ્રતીતિ કરાવતા એક ઘટનાક્રમમાં કોરોના અને તેને લઈને લદાયેલા લોકડાઉનને પગલે તદ્દન બેકાર થઈ ગયેલા અમદાવાદ નજીકના ધંધુકા-ધોળકા તેમ જ જામનગરના હસ્તકળાના ચણિયા-ચોળી બનાવતા પરિવારોએ સતત બે વર્ષ દરમ્યાન ઘરમાં રહીને કલાત્મક ચણિયા-ચોળીનું અધધ ઉત્પાદન કર્યું છે.

આ વર્ષે ગુજરાતમાં શેરી-ગરબાને મંજૂરી મળી જતાં રાજયના ખૂણેખૂણાની શેરીઓ ગરબીના મંડપથી ધમધમી ઊઠી છે ત્યારે આ ચણિયા-ચોળીના વેચાણમાં નવરાત્રી ટાણે જબરદસ્ત વધારો થવા પામ્યો છે.

છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી જામનગર, અમદાવાદ અને ધોળકા-ધંધુકાના આવા વેપારીઓ ભુજ ઉપરાંત ગાંધીધામ, મોરબી અને રાજકોટ જેવાં શહેરોમાં ચણિયા-ચોળીની રોડસાઇડ હાટડી માંડે છે. આ વખતે પણ ભુજના કોલેજ રોડ પર આવા પરિવારોએ રોડસાઈડ હાટડી શરૂ કરી છે.

આવા પરિવારના એક વેપારી માફાભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે વીતેલાં બે વર્ષમાં લોકડાઉન જેવા સંજોગોમાં ઘરે રહીને પરિવારના તમામ સભ્યોની મદદથી અમે મોટી માત્રામાં ચણિયા-ચોળી તૈયાર કર્યાં છે. વળી ગ્રાહકો માટે સારી બાબત એ છે કે આ ચણિયા-ચોળી અમે અડધા ભાવમાં વેચી રહ્યા છીએ. આ ચણિયા-ચોળીમાં કચ્છી વર્ક, મારવાડી, જયપુરી, બારમેરી વર્ક પ્રકારની ચણિયા-ચોળીઓ બનાવી છે. આ ઉપરાંત કાઠિયાવાડી શૈલીની ચણિયા-ચોળીઓ પણ તૈયાર કરાઈ છે.

આયર રાસ અને મેર રાસમાં પહેરાતાં કેડિયાં, ખૂબ લોકપ્રિય થઈ ચૂકેલી સનેડો ચણિયા-ચોળી, મયૂરી ચણિયા-ચોળી, કોટી અને વિવિધ પ્રકારના ઝભ્ભા પણ તૈયાર કર્યાં છે. આ વખતે તેનું ખૂબ ઝડપભેર વેચાણ થઈ રહ્યું છે.

સર્વ શકિતમાન ઈશ્વરે આફતને અવસરમાં ફેરવવાની જાણે અમને શકિત પ્રદાન કરી છે તેવું માફાભાઈ પરમારે ઉમેર્યુ હતું.

દરમ્યાન ભુજ સહિત દરેક સ્થળોએ આ રોડસાઇડ ચણિયા-ચોળીનું વ્યાપક વેચાણ શરૂ થઈ ચૂકયું છે.

(3:24 pm IST)