Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી ન મળતાં સોસાયટીઓને લાભ : મળ્યા સ્પોન્સર્સ

રિયલ એસ્ટેટ ડેવલપર્સ, જવેલર્સ, ફૂડ બિઝનેસ તેમજ બેંક તરફથી સોસાયટીઓને મળી સ્પોન્સરશિપઃ બે વર્ષ બાદ નવરાત્રિ થઈ રહી હોવાથી સ્પોન્સર્સ પણ સોસાયટીઓને ફંડ આપવા માટે ઉત્સુક : કેટરિંગનો બિઝનેસ ધરાવતા પણ સોસાયટીઓમા આપી રહ્યા છે એકસકલુઝિવ ઓફર્સ

અમદાવાદ, તા.૬: શેરી ગરબાની મહેક પાછી ફરી છે અને તેના કારણે આકર્ષણ પણ. માત્ર લોકપ્રિય કલાકારો અને ગાયકો જ સમગ્ર અમદાવાદમાં રહેણાંક સોસાયટીઓ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યા, પરંતુ સ્પોન્સર્સ પણ સ્થાનિક રીતે આયોજિત ગરબાને ફંડ આપવા પર નજર રાખી રહ્યા છે. ગુજરાત સરકારે કલબ તેમજ પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકયો હોવાથી, દ્યણી રહેણાંક સોસાયટીઓને કલાઉડ કિચન, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, જવેલર્સ, ફૂડ બિઝનેસ તેમજ બેંક તરફથી પણ સ્પોન્સર્શિપ અને કોલાબરેશન માટેની ઢગલો ઓફર આવી છે.

'અમને કોલાબરેશન માટે ફૂડ તેમજ હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ તરફથી દ્યણી ઓફર મળી છે અને અમે તે નામ ફાઈનલ કરી રહ્યા છે. એક કંપની કે જે ફૂડ ટ્રક ચલાવે છે તેણે પહેલાથી જ સોસાયટીમાં ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. આ વખતે કોર્મશિયલ ગરબા ન થઈ રહ્યા હોવાથી અમે વધારે સ્પોન્સર્શિપ અને કોલાબરેશનની વિનંતી આવી છે', તેમ મકરબા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ચેરમેન ચિરંજીવ ઝાએ જણાવ્યું હતું.

'બે વર્ષ બાદ ગરબાને મંજૂરી મળી છે અને તેથી સ્પોન્સર્સ પણ સોસાયટીઓમાં ગરબાના આયોજન માટે ફંડ આપવા ઉત્સુક છે. ગત વર્ષ છોડીને છેલ્લા કેટલાક વર્ષોમાં અમને કયારેય સ્પોન્સર મેળવવામાં વધારે સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો, પરંતુ આ વર્ષે પ્રતિસાદ એટલો સારો છે કે અમારી પાસે ફૂડ સ્ટોલ અને બેનર્સ મૂકવા માટેની જગ્યા નથી', તેમ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સોસાયટીના સેક્રેટરી જયમિન પટેલે જણાવ્યું હતું.

જે બિઝનેસ બે વર્ષ પહેલા કોમર્શિયલ અને ટિકિટવાળી ઈવેન્ટ્સ પૂરી કરચા હતા, તેમણે ચાલુ વર્ષે રહેણાંક સોસાયટીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમદાવાદના જવેલર જીગર સોનીએ કહ્યું હતું કે, 'ગયા વર્ષ સુધી અમે કલબમાં ગરબા અથવા પાર્ટી પ્લોટ પર આયોજિત અન્ય કોમર્શિયલ ઈવેન્ટમાં સ્પોન્સર કરીને અમારી બ્રાન્ડનું માર્કેટિંગ કરતા હતા. જો કે, આ વખતે અમે ફેમસ સોસાયટીઓ અને ટાઉનશિપમાં પણ ફન્ડિંગ આપી રહ્યા છે. અમારુ બજેટ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ જયાં પણ અમે કોલાબરેશન કર્યું છે અને બેનર લગાવ્યા છે ત્યાંથી આ વર્ષે પ્રતિસાદ સારો મળી રહ્યો છે'.

આવું જ કંઈક કેટરિંગ બિઝનેસમાં પણ છે, જેઓ હવે એકઝકલુઝિવ ઓફરની સાથે ખાનગી કાર્યક્રમ તરફ મળી રહ્યા છે. શહેરમાં હોટેલ ધરાવતા નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું કે 'આ વર્ષે અમે ફાર્મ હાઉસ અને ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નાના પાયાના કાર્યક્રમનું કેટરિંગ કરી રહ્યા છે. અમને સારો ધંધો થવાની આશા છે'.

(12:44 pm IST)