Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવસારીનું અંબાડા ગામને 15 દિવસ માટે કોલેરાગ્રસ્ત જાહેર : દુષિત પાણીને કારણે કોલેરાના કેસોમાં વધારો

ગામમાં 50 જેટલા કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું : અસરગ્રસ્ત 63 દર્દીઓ પૈકી 34 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ:31 દર્દીઓને ઘરે સારવાર

નવસારી જિલ્લાના અંબાડા ગામમાં 50 જેટલા કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. જિલ્લા કલેક્ટરે આગામી પંદર દિવસ માટે અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.

નવસારી તાલુકાના અંબાડા ગામના તળાવ ફળિયામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા દૂષિત પાણી પાઈપલાઈનમાં ભળી ગયું હતું. જેને પગલે છેલ્લા 2 દિવસથી ઝાડા – ઉલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે. હાલમાં અસરગ્રસ્ત 63 દર્દીઓ પૈકી 34 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 31 દર્દીઓને ઘરે સારવાર અપાઇ રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ થતાં આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી યુદ્ધના ધોરણે તમામ આસપાસના ચાર ગામ ઉગત, તોડી, વસર, સીંગોડમાં સાફ – સફાઈ અભિયાન , દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંગોદ ગામને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું . અને અસરગ્રસ્ત દર્દીઓના આવાસો પાસે છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની અને પાણીના નમૂના લઈ પૃથ્થકરણ માટે કામગીરી હાથ ધરી તપાસ માટે સુરત ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

 અંબાડા ગામે બે જ દિવસમાં ઉપરાછાપરી ઝાડા-ઊલ્ટીના 63 કેસ મળી આવતા અને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેકટરે અંબાડા સાંજે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. મંગળવારે તમામ દર્દીઓને નજીકની PHC માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેની આજુબાજુમાં આવેલા ઉગત ,તોડી, વસર અને સીગોદ એમ ચારેય ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અંબાડા ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે – ઘરે સર્વેની કામગીરી હાથ ધરી ઓઆરએસ અને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં તકેદારીના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

(12:14 pm IST)