Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરતના હિરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાનું ૭૨ વર્ષની ઉંમરે લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટનું ઓપરેશન

વલસાડમાં બ્રેઇનડેડ યોગ ટીચરનું લિવર દાનમાં મળ્‍યા બાદ ૯ કલાક ઓપરેશન કરીને ડો. રવિ મોહનકાએ સર્જરી કરી

 

રાજકોટ,તા. ૬: સુરતના હીરાઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા નું ૭૨ વર્ષની ઉંમરે લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાયું, સતત ૯ કલાક ચાલ્‍યું ઓપરેશન દર મિનીટે કરોડો રૂપિયા કમાતા અને દેશ-દુનિયામાં ફરતા સુરત શહેરના ટોચના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા વલસાડની એક સામાન્‍ય યોગ ટીચરના જીવનભરના ઋણી બની ગયા છે. ગોવિંદભાઇ ધોળકીયા ઈચ્‍છે તો પણ વલસાડના યોગ ટીચરે કરેલા ઉપકારનું વળતર ચૂકવી શકશે નહીં.

 કારણ કે આ યોગ ટીચર હવે હયાત નથી. અકસ્‍માતમાં બ્રેઈનડેડ થયેલા વલસાડના યોગટીચરનું લિવર ગોવિંદભાઇ ધોળકીયાને દાનમાં મળ્‍યું છે. આ લિવરના લીધે ૭૨ વર્ષીય ગોવિંદભાઇ ધોળકીયાને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત જીવનની બક્ષીશ મળી છે. યોગટીયર હવે હયાત નથી ત્‍યારે ગોવિંદભાઇ ધોળકીયા તેમનું ઋણ ક્‍યારેય ચૂકવી શકશે નહીં.સુરતના હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઇ કાકાના હૂલામણા નામથી જાણીતા રામકૃષ્‍ણ એક્‍સપોર્ટના માલિક ગોવિંદભાઇ ધોળકીયાના લિવરનું ૭૨ વર્ષની ઉંમરે અહીંની કિરણ હોસ્‍પિટલ ખાતે ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું છે ગોવિંદભાઇ કાકાનું લિવર ૩ વર્ષથી ખરાબ હતું. બે મહિના પહેલાં કમળો થયા બાદ હાલત વધુ બગડી હતી, જેથી લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાનું નક્કી કરાયું હતું. કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્‍પિટલમાં સતત ૯ કલાક લાંબા ઓપરેશનથી ગોવિંદભાઇ કાકાનું લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી શકાયું હતું. સર્જન ડો. રવિ મોહનકાએ આ ઓપરેશન કર્યું હતું. ડો. મોહનકા ૨૦૦૦થી વધુ લિવર ઓપરેશન કરી ચૂક્‍યા છે.

સુરત શહેરમાં લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટની આ પ્રથમ દ્યટના બની છે ગોવિંદભાઇ ધોળકીયાનું લિવર ૨૦૧૮થી ખરાબ થયું હતું. અગાઉ હરનિયાનું ઓપરેશન કરતી વખતે લિવર બિમાર થયું હોવાનું નિદાન થયું હતું. દરમિયાન બે મહિના પહેલાં કમળો થયો ત્‍યારે હાલત કથળી હતી, જેથી લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લાં બે મહિનાથી ગોવિંદભાઇ ધોળકીયાના શરીરને અનુકૂળ લિવરની શોધ ચાલી રહી હતીદરમિયાન બે દિવસ પહેલાં વલસાડના યોગ શિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ વલસાડના શિક્ષીકા રંજન પ્રવીણ ચાવડાનું ધરમપુર ચોકડી પાસે અકસ્‍માત થયું હતું. બ્રેઈન હેમરેજને લીધે મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી.

બે દિવસ પહેલાં યોગશિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. તેમના પરિવારે કિડની, લિવર અને આંખનું દાન કર્યું હતું. તેમનું લિવર ગોવિંદભાઇ ધોળકીયાને આપવાનું નક્કી કરાયું હતું આ લિવર કતારગામ ખાતેની કિરણ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યું હતું. જયાં હૈદરાબાદ, મુંબઈ, લંડનના હોસ્‍પિટલોની સલાહ અનુસાર ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા ડો. રવિ મોહનકાએ સાંજે ૬ વાગ્‍યે ઓપરેશન શરૂ કર્યું હતું, જે મધરાતના ૩ વાગ્‍યા સુધી એટલે સતત ૯ કલાક ચાલ્‍યું હતું, જે અંતે સફળ રહ્યું હતું.

 

(11:38 am IST)