Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગુજરાત યુનિ.માં સરદાર વલ્લભભાઇ પટેલ સેન્ટર ફોર સાયબર સીકયુરીટી રિસર્ચની સ્થાપના કરાશે

સેન્ટર 100 કરોડથી પણ વધુ રોકાણ સાથે સ્થાપશે : ગુજરાત યુનિવર્સીટી તથા ડીઆરડીઓ વચ્ચે એમ.ઓ.યુ. થયા

અમદાવાદ :ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર, સરદાર વલ્લભભાઇ પટેલ સેન્ટર ફોર સાયબર સીકયુરીટી રિસર્ચ (એસવીપી- સીસીઆર)ની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સીટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગ હસ્તકના Defence Research and Development Organisation – ડીઆરડીઓ સાથે નવી દિલ્હી ખાતે તા.4 ઓક્ટોબર 2021 સોમવારના રોજ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. આ એમ.ઓ.યુ.થી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરાશે. આ સેન્ટર 100 કરોડથી પણ વધુ રોકાણ સાથે સ્થાપવામાં આવશે.

આ એમઓયુ પ્રસંગે ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિ સાથે સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને ચેરમેન ડીઆરડીઓ ડો. જી. સતીષ રેડ્ડી તથા ગુજરાત યુનવર્સિટીના કુલપતિ પ્રો. હિંમાશું પંડયાએ હાજરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાની શરૂઆત પહેલાં જાન્યુઆરી-2020માં ડીઆરડીઓના ચેરમેન જી. સતીષ રેડ્ડી ગુજરાત યુનિવર્સીટીના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે તેઓએ ગુજરાત યુનિવર્સીટી ખાતે ડિફેન્સ રિસર્ચ સેન્ટર શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ ડીઆરડીઓની ટીમે યુનિવર્સીટીની મુલાકાત લઇને ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય સુવિધાઓની તપાસ કરી હતી. ત્યારબાદ ડીઆરડીઓ અને યુનિવર્સીટી વચ્ચે સેન્ટર માટે એમઓયુ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે પણ બજેટમાં ગુજરાત યુનિવર્સીટીખાતે ડિફેન્સ સ્ટડીઝ માટે સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડી સેન્ટર શરૂ કરવા 7 કરોડની ફાળવણી કરી છે. જો કે હાલ યુનિવર્સીટી દ્રારા આ ડિફેન્સ સ્ટડી સેન્ટર અને સાયબર સીકયુરીટી સેન્ટરની આગળની કામગીરી બાબતે કે ડિફેન્સ સ્ટડી સેન્ટર કયારે શરૂ થશે તેની કોઇ સ્પષ્ટતા કરી નથી.

(12:37 am IST)