Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ પર 30 હજારથી વધારે ખાડાઓ પડ્યા :નવરાત્રી પહેલા તમામ ખાડાઓ પુરવાની સૂચના

કોર્પોરેશન દ્વારા 1 જુલાઈથી 3 ઓક્ટોબર સુધી ત્રણ મહિનામાં 20,300 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો

અમદાવાદ : શહેરમાં વરસાદને કારણે રસ્તાઓ પર 30 હજારથી વધારે ખાડાઓ પડ્યા છે. વરસાદે વીરામ લેતા કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવાની કવાયત શરૂ કરાઈ છે. નવરાત્રી સુધીમાં શહેરના રસ્તાઓમાં પડેલા તમામ ખાડાઓ પુરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સૂચના બાદ આજથી ખાડાઓનું રીપેરીંગ કરવાનું શરૂ કરી દેવાયુ છે. એક જ દિવસમાં ખાડાઓ પુરવા માટે 700 ટન હોટ મિક્સનો વપરાશ કરાયો છે,એક દિવસમાં જ કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવા માટે એક કરોડનો ખર્ચ કર્યો છે. મોટા ખાડાઓ પડ્યા છે ત્યાં કપચી અને પથ્થરથી પુરાણ કરી રીપેર કરવામાં આવશે. જ્યાં પેચરથી કામ કરવાની જરૂર લાગશે ત્યાં જેટ પેચર મશીનથી રિસરફેશ કરવાની કામગીરી કરવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા 1 જુલાઈથી 3 ઓક્ટોબર સુધી ત્રણ મહિનામાં 20,300 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યાનો દાવો કરાયો છે. ત્રણ મહિનામાં ખાડાઓના પેચવર્ક માટે 20 હજાર ટન મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઉપરાંત એપ્રિલ 2022 સુધીમાં 225 કિલોમીટરના રોડને રિસરફેસ કરવામાં આવશે. જેમાં 30 કરોડના ખર્ચે ઉત્તર ઝોનના 37 રોડ, 23 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના 42 રોડ, 24 કરોડના ખર્ચે મધ્ય ઝોનના 37 રોડ, 36 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનના 98 રોડ,  25 કરોડના ખર્ચે પૂર્વ ઝોનના 98 રોડ અને 33 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં 57 રોડ રિસરફેસ કરવામાં આવશે.

તો બીજી તરફ અમદાવાદમાં મેટ્રોના કામને કારણે 12 રૂટના રસ્તા પર પડેલા ખાડાઓ 10 ઓક્ટોબર સુધીમાં પુરવા પણ કોર્પોરેશને મેટ્રોને અલ્ટીમેટમ આપ્યું છે. કોર્પોરેશને મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજરને પત્ર લખી મેટ્રોની કામગીરીને કારણે ડેમેજ થયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું છે. કોર્પોરેશન અને મેટ્રો વચ્ચે કામગીરી દરમ્યાન રોડને નુકસાન થાય તો મેટ્રો દ્વારા તેનું રીપેરીંગ કરવા કરાર થયેલા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પશ્ચિમ અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે 12 જેટલા રૂટ પર રસ્તાઓને થયેલા નુકસાનની યાદી તૈયાર કરી મેટ્રોના જનરલ મેનેજરને સુપરત કરી છે. અગાઉ પણ અનેક વખત મેટ્રો રેલ કોર્પોરેશનને મ્યુનિ. દ્વારા રસ્તાઓ રીપેર કરવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ રીપેર કરવાની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે હવે કોર્પોરેશને મેટ્રોને પત્ર લખી 10 ઓક્ટોબર સુધીમાં ખાડાઓ પુરવા અલ્ટીમેટમ આપ્યું છે.

(12:14 am IST)