Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક : ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે નિર્ણય લેવાય તેવી શકયતા

રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરાશે : ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે

ગાંધીનગર :  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનાર છે જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરાશે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે પણ નિર્ણય લેવાય તેવું મનાઈ રહ્યું છે

ગુજરાત સહિત દેશ આખોય કોરોના મહામારી સામે એક થઈને લડી રહ્યો છે પણ ખાસ કરીને હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં અતિવૃષ્ટિનો માર ઝેલી ઊભા થયેલા ગુજરાત વાસીઓ તૌક-તે વાવાઝોડાએ હેરાન હેરાન કરી નાખ્યા હતા, તૌક-તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ, અને તૌક-તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે

સરકારની કેબિનેટ બેઠક મળનાર છે તેમાં મુખ્યમંત્રી ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે, અગાઉ કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જ ધોરણ 6 થી 8 નાં વર્ગો શરુ કરવા માટે મંજૂરી મળતા શરૂ કરી દેવામાં આવ્યા છે તો ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ગયા છે. ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ-1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે ચર્ચા થશે

(11:47 pm IST)