Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમદાવાદમાં હવે ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના નહીં મળે એન્ટ્રી : મનપાનો મોટો નિર્ણય

કોરોનાની રસી ન લીધી હોય તો તેવા નાગરિકોને મ્યુનિ. કોર્પોરેશનની સેવાઓ અને સરકારી પ્રિમાઇસીસ બાદ પ્રિમાઇસીસમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની રસી ન લીધી હોય તો તેવા નાગરિકોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સેવાઓ અને પ્રિમાઇસીસમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો પણ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારી પ્રિમાઇસીસ બાદ ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્રાઇવેટ પ્રિમાઇસીસ જેવી કે, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમાગૃહ, ક્લબ, કોર્મર્શીયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, હોટેલ-રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, મોટી સોસાયટી વગેરે એકમો ખાતે મુલાકાત લેતા નાગરિકો કે, જેઓએ પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ બીજા ડોઝની પાત્રતા ધરાવતાં હોય તેમ છતાં બીજો ડોઝ લીધો ન હોય તેવા વ્યક્તિઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝ 44,79,779 અને બીજો ડોઝ 22,04,736 આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો ડોઝ લીધો હોય તેવા 97 ટકા નાગરિકો છે જ્યારે કોરોનાનો બીજો ડોઝ લીધો હોય તેવા નાગરિકોની સંખ્યા 49 ટકા છે.

અમદાવાદ શહેરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને 100 ટકા પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરુપે થોડા દિવસો પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ, એએમટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાયબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોટ્સ કોમ્પલેક્ષ, સીટી સિવીક સેન્ટર અને મ્યુનિ.ના તમામ બિલ્ડીંગમાં કોરોનાની રસી ન લીધી હોય તેવા નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આ નિયમને લાગૂ કર્યા બાદ રસીકરણ વધ્યું છે જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની રસીની ઝુંબેશને વધુ વેગ મળે તથા શહેરના તમામ નાગરિકોને 100 ટકા પ્રથમ ડોઝ મળી રહે તેને ધ્યાને રાખીને શહેરની તમામ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં કોરોનાની રસી વિના અન્ટ્રી નહીં આપવા માટે આદેશ આપ્યો છે. કોરોનાની વેક્સિન ન લીધી હોય તેવા નાગરિકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર/સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રસી લેવા માટે લઇ જવા અનુરોધ કરાયો છે.

જોકે, અમદાવાદ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે, અગામી બે-ત્રણ દિવસ ખાનગી મિલકતોમાં કોરોનાની રસી વિના પ્રવેશ નહીં તેની અમલવારી કેવી થાય છે તે જોવામાં આવશે પછી આ અંગે ચકાસણી કરીને કાર્યવાહી કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

(10:45 pm IST)