Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પ્રવાસી શિક્ષકોના મહેનતાણા છેલ્લા છ વર્ષથી યથાવત : વધારો કરવા સંચાલક મંડળની માંગ

ખાનગી એજન્સીના બદલે જિલ્લાની રોજગાર કચેરીમાંથી જ નિમણુંક થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત

ગાંધીનગર: રાજ્યના પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં 6 વર્ષ પહેલાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી તેમના મહેનતાણામાં વધારો કરવાની માંગણી કરતો પત્ર સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રીને લખીને રજૂઆત કરી છે. ઉપરાંત પ્રવાસી શિક્ષક માટે એજન્સીના બદલે જિલ્લાની રોજગાર કચેરીમાંથી જ નિમણુંક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવાયું છે.

રાજ્યમાં 2015માં પ્રવાસી શિક્ષક એટલે કે તાસ દિઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવાની પધ્ધતિ અમલમાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 50 મુજબ દૈનિક 6 તાસના મહત્તમ રૂ. 300, માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 75 પ્રમાણે મહત્તમ રૂ. 450 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 90 મુજબ મહત્તમ રૂ. 540 ચુકવવા માટે મંજુરી અપાઈ હતી.

પ્રાથમિક શિક્ષણમાં તાસ પધ્ધતિ ન હોય ત્યાં દૈનિક મહત્તમ રૂ. 300 અને માસિક રૂ. 7500થી વધે નહી તે રીતે, માધ્યમિકમાં માસિક રૂ. 13400થી વધે નહી તે રીતે અને ઉચ્ચતર માધ્યમિકમાં માસિક રૂ. 13700થી વધે નહીં તે રીતે ચુકવવાનું નક્કી કરાયું હતું. જે તે વખતે તાસ દીઠ મહેનતાણું નક્કી કરતી વખતે ફીક્સ પગારના શિક્ષકોના પગારની રકમની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી હોય તેમ જણાતું હતું.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેન્દ્રીય ભરતી સમિતી દ્વારા ભરતી કરવામાં આવતા કાયમી ફીક્સ પગારના કર્મચારીઓના વેતનમાં અંદાજે 3થી 4 ગણો વધારો થયો છે, તેને જોતા તાસ દીઠ મહેનતાણું વધારવા માટે સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા મહેનતાણા માટે ભલામણ કરી છે તે મુજબ પ્રાથમિકમાં તાસ દીઠ રૂ. 75 અને મહત્તમ રૂ. 450, માધ્યમિકમાં તાસ દીઠ રૂ. 100 અને મહત્તમ રૂ. 600 તથા ઉચ્ચતર માધ્યમિકમાં તાસ દીઠ રૂ. 150 અને મહત્તમ રૂ. 900 રાખવા જણાવ્યું છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં પ્રવાસી શિક્ષકોને લઈને કેટલીક વિસંગતતાઓ દુર કરવા માટે પણ જણાવ્યું છે. પ્રવાસી શિક્ષક એજન્સી થકી રાખવા માટે જણાવાયું છે. 2009માં ગ્રાન્ટેડ શાળાઓમાં પટાવાળાની ભરતી માટે આઉટ સોર્સિંગથી અને એજન્સી મારફતે કામ ચલાઉ ધોરણે સાથી સહાયકની જગ્યા પર નિમણુંક કરવા જણાવાયું હતું. જે સંપુર્ણ નિષ્ફળ ગઈ હતી. એટલું જ નહીં, કલેક્ટર કચેરી દ્વારા માન્ય એજન્સીમાંથી શાળામાં આવતા સેવકનું આર્થિક શોષણ પણ થતું હતું. એજન્સી સરકાર પાસેથી વ્યક્તિ દીઠ જે રૂપિયા દર મહિને મળવાપાત્ર હતા, તેમાંથી અડધા રૂપિયા પણ ચુકવણી સેવકને કરવામાં આવતી ન હતી.

રાજ્યના તમામ જિલ્લાઓમાં રોજગાર કચેરીઓ આવેલી છે. આ જિલ્લા રોજગાર કચેરીઓમાં તાલીમ પામેલા બેકાર સ્નાતકોની નોંધણી કરવામાં આવે છે. આમ, કોઈ ખાનગી એજન્સી પ્રવાસી શિક્ષક માટે ઉભી કરવાના બદલે જિલ્લા રોજગાર કચેરીમાંથી જે તે જિલ્લાના શાળા સંચાલક પોતાની શાળાના જરૂરિયાતવાળા પ્રવાસી શિક્ષકની પસંદગી કરે અને કામગીરી સોંપે તે શાળાને ઝડપથી શિક્ષક મળી રહેશે અને ખાનગી એજન્સી દ્વારા થતું નાણાકીય શોષણ પણ નહીં થાય.

(10:39 pm IST)