Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઘોર નિષ્ફ્ળતા બાદ 'આપ ' ના નેતાઓ સાયલન્ટ મોડમાં : એકપણ નેતા પ્રતિક્રિયા આપતા નથી

વિધાનસભાની રણનીતિ તરફ આગળ વધવાનાં ધ્યેય સાથે આક્રમક પ્રચાર પણ એકમાત્ર સીટ મળતા આપ ઘોર નિરાશામાં ધકેલાયું

અમદાવાદ :  ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યું બતું. જોકે યુવા પાર્ટી ગણાતી અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતી પાર્ટી આપ પરિણામો બાદ જાણે સાયલન્ટમાં જતી રહી છે. એક પણ નેતા ન તો કોઇ પ્રતિક્રિયા આપવા તૈયાર છે કે ન તો સોશિયલ મીડિયામાં કોઇ પ્રકારનું નિવેદન આપે છે.

ગાંધીનગર ચૂંટણીમાં 44 પૈકી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહેલી આપ માટે મોટો ફટકો છે. ગાંધીનગરથી જ આગામી વિધાનસભાની રણનીતિ તરફ આગળ વધવાનાં આયોજન સાથે આપ ખુબ જ આક્રમક પ્રચાર કરી રહ્યું હતું. જો કે 1 જ સીટ મળતા આપ ઘોર નિરાશામાં ધકેલાઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જનતાના નિર્ણયનો સ્વિકાર કરતું પણ ટ્વીટ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા કાલે રાત્રે ઠપ્પ થઇ ગયું તે આપ માટે જાણે હજી પણ ઠપ્પ જ હોય તેવું લાગી રહ્યું છે. કોઇ પણ નેતા કાંઇ પણ કહેવા માટે તૈયાર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ખુબ જ સારુ પ્રદર્શન કરનાર આપ ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ખુબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હતું. સુરત મહાનગર પાલિકાની 120 પૈકી 27 બેઠકો મળવાને કારણે આપ ખુબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હતું. ગાંધીનગરમાં આક્રમક રીતે આગલ વધી રહેલું આપ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી શકે તેમ લાગી રહ્યું હતું. જો કે પરિણામે આપને હતોત્સાહ કરી દીધું છે.

સીઆર પાટીલે આપ પર આડકતરી રીતે ટોણો મારતા કહ્યું કે, ‘ઐતિહાસિક કહી શકાય તેવું પરિણામ ગુજરાતના મતદારોએ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેક કામો કરશે. તેમણે ભાર આપીને તે પણ કહ્યું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઇ જગ્યા નથી. ગુજરાતની જનતાને હું વંદન કરું છું, તેમણે આ ઐતિહાસિક જીત આપી છે.’

(10:35 pm IST)