Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

બીડ ગામમાં ગટર લાઈન સહિતની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ : ગ્રામજને પ્રતિક્રિયા આપી

અઠવાડિયા પહેલા આ બાબતે આવેદન આપવા છતાં યોગ્ય કામગીરી ન થતા ગ્રામજનોએ ફરી આવેદન આપ્યું: રસેલા ગ્રામ પંચાયત સરપંચ રસેલા ગ્રામપંચાયત સભ્યો તલાટી સામે કડક પગલા લઇ કાર્યવાહી કરી તમામને બરખાસ્ત કરવાની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બીડ (રસેલા) ગામમાં બનાવેલ ગટરલાઇન છેલ્લા છ માસથી તુટી જતા વારંવાર રજુઆતો કરવા છતા સરપંચ તથા ગ્રામ પંચાયત દ્વારા કોઇ પણ કામગીરી કરવામાં આવી નથી.તથા પીવાના દુષિત પાણીની સમસ્યાનું પણ આજસુધી કોઇ નિરાકરણ આવ્યું નથી માટે બિડ ગામના ગ્રામજનો એ તારીખ ૨૭/૦૯/૨૦૨૧ એ આ બાબતે કલેકટર સાહિતનાઓને રજુઆત કરવા છતાં પણ સરપંચ તથા ગ્રામપંચાયત તથા તલાટી દ્વારા કોઇપણ જાતની કામગીરી કરવામાં આવી નથી.

અગાઉના આવેદન બાદ ફક્ત એક જ બોરમાં મોટર ઉતારવામાં આવી છે જે બોરનું પાણી પીવા લાયક નથી દુષિત છે. તારીખ ૩૦/૦૯/૨૦૨૧ ના રોજ બીડ ગામે સરપંચ દલપતભાઇ મંગાભાઇ વસાવા તથા તલાટી કમ.મત્રી નીતાબેન કોમલભાઇ પટેલ બીડ ગામે આવ્યા હતા અને ગ્રામજનોને બાંહેધરી આપી હતી તારીખ ૦૧/૧૦/૨૦૨૧ ના રોજ બીડ ગામના બે બોરમાં મોટર નાખી આપીશુ અને ગટર લાઇનની મરામત કરી ગંદકી સાફ કરી આપીશુ તેવું આશ્વાસન આપ્યુ હતું પરંતુ તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ સરપંચ દ્વારા બિડ ગામે બોરમાં મોટર ઉતારવા માણસો મોકલ્યા હતા ત્યારે ગ્રામજનો એ જણાવ્યુ હતું કે મીઠા પાણી વાળા બોરમાં મોટર ઉતારી આપો પરંતુ સરપંચ દ્વારા દુષિત પાણી વાળા બોરમાં મોટર ઉતારવામાં આવી છે. જે બોરનું પાણી પીવા લાયક નથી,દુષિત છે. જેથી બીડ ગામની મહીલાઓ હાલની તારીખે પણ પીવાનું પાણી ભરવા બીડ ગામ નજીકના ફ્રુટ પેક હાઉસમાં જવું પડે છે.માટે અમો બીડ ગામના ગ્રામજનો દ્વારા રજુઆત કર્યે આજે આઠ દિવસ વીતી ગયા છતાં બીડ ગામના ગ્રામજનોના પ્રશ્નોનો કોઇ પણ નિકાલ આવ્યો નથી. જેથી આપ રસેલા ગ્રામ પંચાયત સરપંચ રસેલા ગ્રામપંચાયત સભ્યો તલાટી સામે કડક પગલા લઇ કાર્યવાહી કરી તમામને બરખાસ્ત કરશો તેવી આવેદનમાં રજૂઆત કરાઇ છે.

(10:16 pm IST)