Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સુરતના સુમન આવાસમાં જો કોઇ પાન-મસાલા ખાઇને પીચકારી મારશે તો તેમને ધોકા ખાવાનો વારો આવશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંની ગંદકી જોઇને ગુસ્સે ભરાઇને સ્થાનિક મહિલાઓને કહ્યું કે તમે લાકડી લઇને બેસો શા માટે ગંદકી થવા દો છો

સુરતના સુમન આવાસમાં જો કોઇ પાન-મસાલા ખાઇને પીચકારી મારશે તો તેમને ધોકા ખાવાનો વારો આવશે. કેમકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંની મુલાકાત દરમિયાન ગંદકી જોઇને ગુસ્સે ભરાઇને સ્થાનિક મહિલાઓને કહ્યું કે તમે લાકડી લઇને બેસો શા માટે ગંદકી થવા દો છો. હર્ષ સંઘવીનો હેતું સ્વચ્છતા જળવાઇ તેવો હતો અને આ સારા હેતુને તેઓએ હળવાશથી લઇને સ્વચ્છતા અંગે સારી વાત કરી હતી.

મહિલાઓ ધોકો લઇને પાન-મસાલાની પિચકારી મારનારાઓને ફટકારે તો, ગંદકીની વાત તો દૂર રહી કલેશ થઇ જાય. પણ આ અમારા આ વિધાનનો અર્થ એવો નથી કે અમે સ્વચ્છતાના વિરોધી છીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહેલા આ શબ્દો વાસ્તવમાં સારા હેતુથી કહેવાયેલા છે તેમનો હેતુ સ્વચ્છતાનો છે અને સ્વચ્છતા હોવી જ જોઇએ. પણ એક ગૃહ રાજ્યમંત્રી કક્ષાના પ્રધાનને આવા શબ્દો કહેવા પડતા હોય તો સમજી લેવા જેવી બાબત છે. આપણે ત્યાં લોકો પાન મસાલા ખાઇને લોકો કેવી ગંદકી કરતા હોય છે. ઠીક છે આજનો વિષય તો પાન-મસાલાની પીચકારીનો નથી. પણ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જેઓ સુરતના સુમન આવાસની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેઓએ ગંદકી જોઇને નાકનું ટેરવું ચડાવ્યું હતું

હર્ષ સંઘવીએ ગંદકી પ્રત્યે નારાજગી વ્યકત કરીને મહિલાઓને ધોકો લેવા તો અપીલ કરી નાખી પણ સાથે સાથે 2 મહિનામાં ગંદકી દૂર કરવા લોકો પાસેથી પ્રોમિસ લીધુ અને ગાર્ડન માટે પાંચ લાખની સહાયની જાહેરાત કરી. પીએમ મોદીનો ઉલ્લેખ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતાની વાત તો કરી નાખી. પાન મસાલાની પીચકારી મારનારાઓને લાકડીથી ફટકારવાની વાત તો કરી દીધી, પણ અહીં વિચારવા જેવી વાત એ છે કે પાન મસાલા ખાનારા લોકોને ફટકારવા કરતા પાન-મસાલા વેચનારાઓને જ ફટકારવામાં આવે. યુવાધનને બરબાદ કરતા નશાના સૌદાગરોને જ ડામવામાં આવે તો આવો સવાલ સમાન્ય લોકોના મનમાં આવી રહ્યા છે.

(11:08 pm IST)