Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કાંકરેજના વડા બ્રિજ નજીક કાર પલટી જતા એક જ પરિવારના 3 સભ્યોના કમકમાટીભર્યા મોત :ત્રણ ગંભીર

શિહોરી-થરા હાઈવે પર વડા બ્રિજ નજીક કાર પલ્ટી : એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણમોત : કરુણાંતિકાને પગલે માર્ગ મરણચીરોથી ગુંજ્યો

બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અર્થી ઉઠતાં સમગ્ર પંથક હિબકે ચડયો છે.

અકસ્માત અંગે જાણવા મળતી વિગત અનુસાર બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક અકસ્માતે કાર પલટી ગઈ હતી. શિહોરી-થરા હાઈવે પર કાર લઈ એક જ પરિવારના સભ્યો જઇ રહ્યા હતા. આ દરમિયાન વડા બ્રિજ નજીક રોડ પર એકાએક ખાડો આવી ગયો હતો. ખાડાથી બચવા જતા કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે કાર પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોને કાળ આંબી ગયો હતો. આ કરુણાંતિકાને પગલે માર્ગ મરણચીરોથી ગુંજ્યો હતો.

વધુમાં અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આથી આ તમામને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ દુર્ઘટના અંગે પોલીસને જાણ થતાં થરા પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કારનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતને લીધે રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફીક દૂર કર્યો હતો.

(10:35 pm IST)