Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગુજરાત ATSની મોટી કાર્યવાહી :જખૌમાંથી 250 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 7 પાકિસ્તાની ઝડપાયા: ઊંડી પૂછતાછ

અમદાવાદમાંથી પણ ATSએ 3 આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા

ગુજરાતના જખૌના દરિયા માર્ગેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવામાં આજે ડ્રગ્સના જથ્થા મામલે ATSને જબરી સફળતા મળી છે. ATSએ 250 કરોડની કિંમતના હેરોઇનના જથ્થા સાથે 7 પાકિસ્તાની શખ્સોને ઝડપી લઈ ઊંડી પૂછતાછ હાથ ધરી છે. બીજી તરફ અમદાવાદમાંથી પણ ATSએ 3 આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. 

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસાનો વધુ એક વખત પર્દાફાશ થયો છે.  ATS અને કોસ્ટગાર્ડે સહિયારું ઓપરેશન હાથ ધરી જખૌના દરિયા કાંઠેથી 250 કરોડના હેરોઈનના બિનવારસી પેકેટ ઝડપી પાડયા હતા. પાકિસ્તાનના પીશ્કાન, ગ્વાદર બંદરથી પાકિસ્તાની બોટ નશીલા પદાર્થની ખેંપ મારવા ગુજરાત આવવાની  ATSને બાતમી મળી હતી જે બાતમીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. ત્યારબાદ ATS અને કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક દોડી જઇ શંકાસ્પદ પાકિસ્તાની બોટની તલાશી લિધી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન બોટમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો ન હતો.

આથી ATSની ટીમે પાકિસ્તાની 7 શખ્સો વિરુદ્ઘ ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ પાકિસ્તાની ખલાસીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 7 પાકિસ્તાની ખલાશીઓની પૂછપરછમાં આરોપીઓને તેમની તરફ મોટી બોટ આવતી હોવાની જાણ થતાં બોટમાં સંતાડેલ નશીલા પદાર્થનો જથ્થો દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો. આ અંગે તપાસમાં ખુલાશો થયો હતો.   

આ ખુલાશાને પગલે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતનાઓને સૂચના આપવામાં આવી હતી.આથી પોલીસ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓએ દરિયામાં સઘન તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન જખૌના દરિયાકિનારે આવેલ શિયાળ ક્રિક ખાતેથી BSF તથા જખૌ મરીન પોલીસને ટુકડીને બે થેલાઓ મળ્યા હતા. જેની તલાશી લેતા થેલામાંથી 49 જેટલા પેકેટ એટલે કે 250 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. મહત્વનું છે કે, આ જથ્થો પાકિસ્તાનના ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

નશીલા પદાર્થ અંગેના અન્ય એક કેસમાં ગુજરાત ATSએ બાતમીના આધારે અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ડ્ગ્સનો વેપલો કરતા ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા. ATSએ એમડી ડ્રગ્સ,ચરસ અને ગાંજાના જથ્થા સાથે ત્રણેય આરોપીની ધરપકડ  કરી હતી.રાજુલાના રહેવાસી અને ઓનલાઈન ડ્ગ્સ રેકેટના માસ્ટર માઈન્ડ આકાશ વિઝાંવાની  ATSએ ધરપકડ કરી હતી. આ આરોપી એક ફર્જી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી પ્રાઈવેટ કુરીયર કે ટ્રાવેલ્સ દ્રારા ડગ્સની ડિલિવરી કરાવતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આથી ATSએ 28 લાખના નશીલા પદાર્થનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:14 pm IST)