Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સૈનિક સન્માન યાત્રામાં નિવૃત્ત આર્મીમેન અને પોલીસ વચ્ચે ઘર્ષણ :અનેક લોકોની અટકાયત

અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ 14 મુદ્દાને લઈને શાહીબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી: સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા

અમદાવાદ : દેશની સુરક્ષામાં અડગ ઊભા રહેલા સૈનિકો નિવૃત્ત થયા બાદ છેલ્લાં ચાર વર્ષથી પોતાના હક માટે લડત લડી રહ્યા છે. અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ 14 મુદ્દાને લઈને શાહીબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી હતી. રેલીનો પ્રારંભ થાય એ પહેલાં જ પોલીસ દ્વારા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. એને કારણે આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિટેઇન કરતાં ભારે રોષ ફેલાયો છે.

નિવૃત્ત આર્મીના જવાનોની રેલીને પગલે સચિવાલયના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતાં. તેમણે હોબાળો કરતાં દરવાજા બંધ કરાયા હતાં. પરંતુ નિવૃત્ત આર્મીમેનો સચિવાલયના ગેટ નંબર 1 સામે શાંતિપૂર્ણ રીતે ગોઠવાઈ ગયાં હતાં. તેમણે અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તેમને મુખ્યમંત્રીને મળવા દેવામાં નહીં આવે તો ફરીવાર ગેટ નંબર એકમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે.

નિવૃત્ત આર્મીમેન દીપક સોલંકી જણાવ્યું હતું કે અમારા પ્રશ્નોને લઈને આજે અમે રેલીનું આયોજન કર્યું છે અને જ્યારે રેલી શરૂ થઈ ત્યારે કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, પરંતુ મારી સાથે અન્ય નિવૃત્ત આર્મીમેનો પણ અત્યારે ગાંધીનગર તરફ જવા રવાના થઇ ચૂક્યા છે. તેમનું કહેવું છે કે અમે વિધાનસભા ખાતે જઈને મુખ્યમંત્રીને પણ મળીને રજૂઆત કરીશું. વર્ષો જૂના અમારા જે મુદ્દા છે એની માગ કરીશું.

માજી સૈનિકોની મુખ્ય માગમાં શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી,ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માગ,સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે,ખેતી માટે જમીન અને રહેણાક પ્લોટ,દારૂ માટેની પરમિટ. ભારતીય સેના માટે આપેલી પરમિટ માન્ય ગણવી,કોન્ટ્રેક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવામાં આવે,હથિયારનું લાઇસન્સ રિન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય,માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી વ્યવસ્થા થાય.,માજી સૈનિકોની નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે,માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે,એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે,ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોનાં બાળકોને છૂટછાટ,સૈનિકોનાં બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે,સૈનિકો માટે લેવાતો વ્યવસાયવેરો માફ કરવામાં આવે

(8:29 pm IST)