Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં રૂ. પ૮૭.પ૦ કરોડ ફાળવ્યા : આંતરમાળખાકીય સુવિધા-પાણી-ડ્રેનેજ-રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવા ૧૧૧૬ કામો મંજૂર થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. રપ.૭૭ કરોડ ફાળવવાની મંજૂરી આપી : વડોદરામાં ૬૬ જેટલા કામો હાથ ધરાશે

રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પ૮૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-૬૬ જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે.

    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. ૪૯૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ ૩૪૧ કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ ૭૭પ કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા ૧૧૧૬ કામો  અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.

(6:21 pm IST)