Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભેજવાળા પવન આવતા હવામાનમાં ફેરફાર થવાથી 8 જુનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદ પડશેઃ હવામાન વિભાગ

આ વર્ષે જુનથી સપ્‍ટેમ્‍બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજકોટ: આગામી બે દિવસમાં 43 ડિગ્રી તાપમાન બાદમાં બે ડિગ્રીનો ઘટાડો થતા વાતાવરણમાં ફેરફાર થવાથી 8 જુનથી સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. ભેજવાળા પવનો આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્‍યું છે.

રાજ્યમાં હાલ છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે, જેણા કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગે લોકોને એક ખુશખબરી આપી છે. હવે કાળઝાળ ગરમીથી ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે 8 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 8મી જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

મહત્વની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે..

નોંધનીય છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં સારા ચોમાસાની એંધાણ મળ્યા છે. હવામાન વિભાગે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદની આગાહી કરી છે. વિભાગે એક મહિના પહેલા દેશમાં 99 ટકા વરસાદની આગાહી કરી હતી. પરંતુ બાદમાં 103 ટકા વરસાદની આગાહી કરી હતી.

(5:34 pm IST)