Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વડોદરાના ભીમનાથ બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીમાં યુવકે છલાંગ લગાવી હોવાની બાતમીથી ફાયરબ્રિગેડ વિભાગે તાત્કાલિક ધોરણે શોધખોળ શરૂ કરી

વડોદરા:શહેરના ભીમનાથ બ્રિજ નજીક યુવક વિશ્વામિત્રી નદીમાં પડયો હોવાની વાતો વહેતી થતાં  ફાયરબ્રિગેડ વિભાગએ શોધખોળ અભિયાન આરંભ્યું હતું .જોકે વિપુલ પ્રમાણમાં મગરની વચ્ચે જીવના જોખમે ગઈકાલ રાતથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથે લાગ્યા નથી.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ દર્શન ફ્લેટ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં યુવક પડયો હોવાની ઘટનાએ રવિવારે  ચકચાર જગાવી મુકી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અંધકારના પગલે શોધખોળ અશક્ય બની હતી. કારણકે જે સ્થળે યુવક પડયો હોવાનો સંદેશો મળ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હોય મુશ્કેલી સર્જાઇ હતી. પરિણામે ફાયર વિભાગ દ્વારા જવાનોની સલામતીના ભાગરૂપે શોધખોળ ઓપરેશન મુલતવી રાખ્યું હતું. આ અંગે પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, મારી નજર સમક્ષ એક યુવક નદીમાં પડ્યો છે. તો બીજી તરફ ખરેખર યુવક પડ્યો છે કે કેમ? તેની સત્તાવાર માહિતી જાણવા મળી નથી. જ્યારે જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે. પરંતુ મનુષ્ય ઉપર મગરના હુમલાની ઘટના નહીંવત છે. હાલ યુવક અથવા કિશોર નદીમાં પડ્યો છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ નથી જેથી રેસ્ક્યુ ઓપરેશન વિચારણા હેઠળ છે. તો બીજી તરફ આજે સવારથી ફરી પાર વિભાગ દ્વારા બનાવ અંગે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવક નદીમાં ખાબકયો હોવાની સત્તાવાર માહિતી મળી નથી.

(4:48 pm IST)