Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

નડિયાદ નેશનલ હાઇવે નજીક ઓવરટેક કરવા જતી કાર વહેલી સવારે પલ્ટી ખાતા ચાલક સહીત બે યુવકના મૃત્યુ

નડિયાદ : નેશનલ હાઇવે નંબર ૮ પર ખેડાના ગોબલેજ ગામની સીમમાં રવિવારે વહેલી સવારનાં પૂરપાટ પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતા કાર ચાલક સહિત બે યુવકના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે કારમાં સવાર ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થતાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા જૈદુલ અમાન યાકુબ તમીજ કાકાનો દીકરો મોહિદ મહેમુદ તમીઝ તેમજ મિત્રો કામરાન ઈમ્તિયાઝ પાદનજીવાલા જયદ રમજાન ગ્યાસ્લેટવાળા આયન અસલમ ગફુરજીવાલા શનિવારે મધ્યરાત્રિ પછી કાર લઇને નાસ્તો કરવા ખેડાના કાજીપુરા ખાતે હાઈવે રોડ પર આવેલી એક હોટલમાં ગયા હતા. હોટલમાંથી નાસ્તો કરી રવિવારે વહેલી સવારે કારમાં પરત અમદાવાદ જઇ રહ્યા હતા. ત્યારે  આ સમયે કારચાલક જૈદૂલ અમાને હાઈવે રોડ પર આગળ જતા કોઈ વાહનને ઓવરટેક કરવાના કરેલા પ્રયાસ દરમિયાન કાર ડીવાઇડર સાથે અથડાવી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. બનાવમાં કારચાલક જૈદુલ અમાનનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું, જયારે કારમાં સવાર અન્ય ચાર મિત્રો ઇજા ગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ કામરાન ઈમ્તિયાઝ પદનજીવાલાનું સારવાર મળે તે પૂર્વે મૃત્યુ નિપજયું હતું. 

(4:46 pm IST)