Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધો. ૧૦નું ૬૫.૧૮% પરિણામ : ૧૨૦૯૦ છાત્રોને A1 ગ્રેડ

રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્‍દ્રનું સૌથી વધુ ૯૪.૮૦% પરિણામ : સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ ટકા પરિણામ : ૧૦૦ ટકા પરિણામ મેળવતી ૨૯૪ તો ૩૦% કરતા ઓછું પરિણામ મેળવતી ૧૦૦૭ શાળાઓ અને ૦% પરિણામ મેળવતી ૧૨૧ શાળાઓ

રાજકોટ તા. ૬ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ જાહેર થયું છે. ધો. ૧૦નું પરિણામ ૬૫.૧૮% આવ્‍યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ પરિણામમાં ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધો. ૧૦ની પરીક્ષા આપી હતી. જેમાંથી એ-૧ ગ્રેડ મેળવતા ૧૨૦૯૦ તેજસ્‍વી તારલાઓ મોખરે રહ્યા છે. જ્‍યારે ૫૨૯૯૨ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ હાંસીલ કર્યો છે. બી-૧ ગ્રેડ ૯૩૬૦૨ અને બી-૨ ગ્રેડ ૧,૩૦,૦૯૭ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.
ધો. ૧૦માં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ પરિણામ મેળવતું કેન્‍દ્ર રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્‍દ્ર છે. રૂપાવટી કેન્‍દ્રનું પરિણામ ૯૪.૮૦% આવ્‍યું છે. જ્‍યારે સૌથી વધુ પરિણામ મેળવતો જિલ્લો હિરાનગરી સુરત છે. સુરતનું પરિણામ ૭૫.૬૪ ટકા આવ્‍યું છે.
ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો. ૧૦ના પરિણામમાં ૧૦૦% પરિણામ મેળવતી રાજ્‍યની ૨૯૪ શાળાઓ છે તો ૩૦% કરતા ઓછું પરિણામ ધરાવતી ૧૦૦૭ શાળાઓ છે. સમગ્ર રાજ્‍યને આંચકો આપતું પરિણામનું વિશ્‍લેષણમાં જણાયું છે કે, ૦% પરિણામ મેળવતી રાજ્‍યની ૧૨૧ શાળાઓ છે. ધો. ૧૦માં એક વિષયમાં સુધારણા અને અવકાશ ધરાવતા વિદ્યાર્થીની સંખ્‍યા ૪૭,૩૩૦ છે. જ્‍યારે બે વિષયમાં સુધારણા અને અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૫૯,૩૭૩ છે.
ધો. ૧૦ના પરિણામમાં અંગ્રેજી માધ્‍યમિકનું પરિણામ ૮૧.૫૦% છે. જ્‍યારે ગુજરાતી માધ્‍યમનું ૬૩.૧૩% છે તો હિન્‍દુ માધ્‍યમનું પરિણામ ૭૩.૦૬% છે. ધો. ૧૦માં કુમારોનું પરિણામ ૫૯.૯૨% છે તો કન્‍યાઓનું પરિણામ ૭૧.૬૬% છે.
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં આનંદની લાગણી અનુભવું છું. આ વર્ષે માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના ૮૧ ઝોનના ૯૫૮ કેન્‍દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં ૩૧૮૩ પરીક્ષાસ્‍થળો (બિલ્‍ડીંગો) અને ૩૩,૨૪૫ બ્‍લોક ઉપયોગમાં લેવામાં આવ્‍યા હતા.
આ વર્ષે પણ પરીક્ષાર્થીઓને પરીક્ષાના પ્રવેશપત્ર (હોલ ટીકીટ) ઓનલાઇન મૂકવામાં આવેલ હતા. જેથી પરીક્ષાર્થીઓને પોતાની શાળામાંથી તે સરળતાથી મળી ગયેલ. ચાલુ વર્ષે પ્રશ્નપત્રોના પાર્સલ ઝોન કચેરીએથી પરીક્ષાખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિヘતિ કરવા માટે ‘Paper Box Authentication and Tracking Application'નો ઉપયોગ કરવામાં આવેલ.
આ પરીક્ષામાં કુલ ૭,૮૧,૭૦૨ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૭,૭૨,૭૭૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૫,૦૩,૭૨૬ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૬૫.૧૮ ટકા જાહેર કરવામાં આવે છે. જયારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૧,૪૦,૪૮૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧,૩૩,૫૨૦ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી ૪૧,૦૬૩ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૦.૭૫ ટકા આવ્‍યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોધાયેલ કુલ ૧૭,૯૪૪ પરીક્ષાર્થીઓ પૈકી ૧૫,૦૦૭ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી ૨,૫૫૭ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૧૭.૦૪ ટકા આવેલ છે.
બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ ૮૦ ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્‍યાંકનના ૨૦ ગુણ તે મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી. પ્રશ્નપત્રોનું પરિરૂપ બદલવામાં આવેલ હતું. જેમાં ૩૦% હેતુલક્ષી પ્રશ્નો અને ઇન્‍ટર્નલ ઓપ્‍શનને સ્‍થાને જનરલ ઓપ્‍શનની પરીક્ષા પદ્ધતિને અમલી કરવામાં આવેલ.

 

(10:13 am IST)