Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કરોડપતિ મિત્રએ સામાન્ય બાબતે બિલ્ડરની હત્યા કરી

જર,જમીન અને જોરૃ ત્રણેય કજીયાના છોરૃઃશહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, તા.૫ :શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરવામાં આવી. હત્યા અંગેનું કારણ પોલીસને જાણવા મળ્યું કે, મૃતકે ધંધા માટે લીધેલા ૪ કરોડની લેતિદેતીમાં હત્યા કરાઈ છે. મિત્રના જન્મ દિવસે જ મિત્રોએ મિત્રની હત્યા કરી. ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલો મિત્ર વેપારીની હત્યા કરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી હતી. આ બિલ્ડીંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો ૩૦ મેંના રોજ જન્મદિવસ હતો. કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા. ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ ૨ કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો. અને કમલેશ ભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં મૂઢ માર માર્યો હતો. કમલેશભાઈ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મૃતક કમલેશ પટેલ અને આરોપી ભદ્રેશ પટેલ બન્ને ૧૦ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને સારા મિત્રો પણ હતા. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો. જેથી છેલ્લા ૭ વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાંકીય વ્યવહાર ચાલતો હતો. રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી ૨૦૨૨ માં વેલ્ટોસા કંપની શરૃ કરી હતી. અને ? ૨ લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈ ૬ કરોડ ઉછીના લીધા હતા. ૨ કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે ૨ કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.

હત્યાના દિવસે એટલે કે ૩૦ મેંના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી. હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કારણ ના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.

(8:47 pm IST)