Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

ગુજરાતમાં 10 અને 11મીએ છોટા ઉદેપુર, નર્મદા, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

જો કે એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થઇ જશે

અમદાવાદ: હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ આ વચ્ચે એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. જ્યાં ગરમીનો પ્રકોપ હતો, ત્યાં હવે વાદળો છવાયા છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જોકે, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે.

ક્યાં ક્યાં વરસાદ આવશે

    તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી

    તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી , મહીસાગર, દાહોદ , છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ઉંચકાશે ગરમીનો પારો

ગુજરાતમાં ચૂંટણી સાથે હવે ઉનાળાની મોસમ જામશે. એપ્રિલના 25માંથી 20 દિવસ ગરમીનું તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. તો મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં એપ્રિલના મોટાભાગના દિવસમાં યલો કે ઓરેન્જ અલર્ટની શક્યતા છે. જોકે, હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન

અમદાવાદ 37.4 ડિગ્રી

ગાંધીનગર 35.3 ડિગ્રી

ડીસા 32.9 ડિગ્રી

વડોદરા 37.4 ડિગ્રી

સુરત 37.2 ડિગ્રી

અમરેલી 39.2 ડિગ્રી

ભાવનગર 37.2 ડિગ્રી

રાજકોટ 38.4 ડિગ્રી

સુરેન્દ્રનગર 37.1 ડિગ્રી

મહુવા 39.2 ડિગ્રી

ભુજ 34.6 ડિગ્રી

કંડલા 35.6 ડિગ્રી

કેશોદ 39.4 ડિગ્રી

અમદાવાદીઓ માટે ખાસ એક્શન પ્લાન

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ વખતે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રખાશે. ભારે ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઈટો બપોરે 12થી 4 બંધ રખાશે. 45થી 60 સેકેન્ડ બંધ રહેતા ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય કરાયો છે. હીટસ્ટ્રોકના કેસને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય કરાયો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન અનેક સ્થળે સંસ્થાઓ છાશનું વિતરણ કરશે. સફાઈ કામદારોનો સમય બપોરે 3 કલાકના બદલે 4 કલાકનો કરવામાં આવશે. તમામ બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાશે, અર્બન હેલ્થ સેન્ટરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે. તો અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રખાશે.

(4:52 pm IST)