Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોદીની ધગશ - સ્‍ફુર્તિને સલામ : સવારે અમદાવાદમાં મતદાનઃ બપોરે દિલ્‍હીમાં BJPની બેઠકમાં ભાગ લીધોઃ સાંજે સર્વપક્ષીય મિટીંગ

થકાવટ અને મોદીને કદી બનતું નથીઃ પીએમ કદી થાકતા જ નથી

નવી દિલ્‍હી, તા.૫: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાત વિધાનસભામાં મતદાન કરીને દિલ્‍હી પરત ફર્યા છે. પીએમ મોદીના આજે સવારથી સતત ઘણા કાર્યક્રમો છે. ગુજરાતની ચૂંટણી બાદ તેમણે તેમનું આગામી મિશન શરૂ કરી દીધું છે. તેમણે દિલ્‍હીમાં ભાજપની બે દિવસીય રાષ્‍ટ્રીય કાર્યકારિણી બેઠકનું ઉદઘાટન કર્યું હતું, જ્‍યાં આવતા વર્ષે યોજાનારી રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ સહિત પાંચ રાજ્‍યોની ચૂંટણીના એજન્‍ડા પર ચર્ચા કરવામાં આવશે. આ પછી PM મોદી સાંજે G-20 સમિટને લઈને રાષ્‍ટ્રપતિ ભવનમાં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

ભાજપની બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજરઃ દિલ્‍હીમાં બીજેપી હેડક્‍વાર્ટરમાં યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્‍યોના પ્રભારીઓ સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ સામેલ થયા છે. પીએમ મોદી બેઠકમાં પદાધિકારીઓને પણ સંબોધિત કરશે. બીજેપી હેડક્‍વાર્ટર પહોંચતા જ વડાપ્રધાનનું પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાએ સ્‍વાગત કર્યું હતું. નડ્ડાની અધ્‍યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પાર્ટીની ભાવિ વ્‍યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે, રાજ્‍ય વિધાનસભાની ચૂંટણીના આગામી તબક્કાની તૈયારીઓ, આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને વિવિધ સંગઠનાત્‍મક પ્રવળત્તિઓની સમીક્ષા કરવામાં આવશે.

સાંજે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશેઃ પાર્ટીની બેઠક બાદ વડાપ્રધાન સાંજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ભારત દ્વારા આયોજિત થનારી G-20 સમિટ માટે સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્‍વરૂપ આપવા માટે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અનેક રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લેશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વતી લગભગ ૪૦ પક્ષોના પ્રમુખોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(4:19 pm IST)