Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ગાંધીનગરમાં માહિતી ખાતાના કર્મચારીઓને એક દિવસીય તાલીમ અપાઇ

‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ’ વિષયક એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું: માહિતી ખાતાના અધિકારીઓ તેમજ કોર્પોરેટર ટ્રેઈનર-પૂર્વ પત્રકાર તથા સિનિયર પત્રકારોએ સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ગાંધીનગર ખાતે સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ વિષયક એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(CCCR)-PDEUના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન અંગેની તાલીમમાં માહિતી ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયાની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીની વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા. જેમાં માહિતી ખાતાના અધિકારીઓ તેમજ કોર્પોરેટર ટ્રેઈનર-પૂર્વ પત્રકાર તથા સિનિયર પત્રકારોએ સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તાલીમના પ્રારંભમાં PDEUના સેન્ટર લીડરે તાલીમની રૂપરેખા તેમજ યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞો દ્વારા વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું જયારે તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું.

આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી તેમજ પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

(12:05 pm IST)